Get The App

‘પક્ષોએ અમારા એજન્ડાઓ ચોરી લીધા...’ CM કેજરીવાલનો ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર

બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથી પર દિલ્હીના AAP કાર્યાલયમાં વિશેષ કાર્યક્રમ દરમિયાન કેજરીવાલનું સંબોધન

કેજરીવાલે કહ્યું, તમામ પક્ષો ફ્રીની વાતો કરી રહ્યા છે, પરંતુ આજના સમયમાં શિક્ષણની વાત કોઈપણ કરી રહ્યું નથી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
‘પક્ષોએ અમારા એજન્ડાઓ ચોરી લીધા...’ CM કેજરીવાલનો ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર 1 - image

નવી દિલ્હી, તા.06 નવેમ્બર-2023, બુધવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અન્ય પક્ષો પર પોતાની એજન્ડા ચોરી લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથી પર દિલ્હીના AAP કાર્યાલયમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કેજરીવાલે સંબોધનમાં કહ્યું કે, ‘તમામ પાર્ટીઓએ અમારા બધા એજન્ડા ચોરી કર્યા છે.’ 

‘શિક્ષણની વાત માત્ર આમ આદમી પાર્ટી જ કરી શકે’

કેજરીવાલે કહ્યું કે, ‘સૌથી પહેલા અમે જ હતા, અમે જઈને કહેતા હતા કેજરીવાલની ગેરંટી. હવે આ લોકો અને તે લોકો, બંને લોકો કહી રહ્યા છે કે, ગેરંટી... ચૂંટણી ઢંઢેરો અને સંકલ્પ પત્ર ગાયબ થઈ ગયા છે.’ તેમણે કહ્યું કે, તમામ પક્ષો ફ્રીની વાતો કરી રહ્યા છે, પરંતુ આજના સમયમાં શિક્ષણની વાત કોઈપણ કરી રહ્યું નથી. તેમણે કહ્યું કે, શિક્ષણની વાત માત્ર આમ આદમી પાર્ટી જ કરી શકે છે, કારણ કે અમે બાબાસાહેબ આંબેડકરના ચેલા છીએ.

‘છેલ્લા 75 વર્ષથી આ દેશના લોકોને અશિક્ષિત રખાયા’

ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લેતા કેજરીવાલે કહ્યું કે, બંને પાર્ટીઓમાંથી કોઈપણ પાર્ટી એવું કહેતી નથી કે, તમારા બાળકો માટે સ્કુલ બનાવીશું અથવા સરકારી સ્કુલોને ઠીક કરી દઈશું... જાણીજોઈને છેલ્લા 75 વર્ષથી આ દેશના લોકોને અશિક્ષિત રાખવામાં આવ્યા. તેમણે કહ્યું કે, જો દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર છેલ્લા 7 વર્ષમાં 2 કરોડ લોકોને સારુ શિક્ષણ આપી શકે છે, તો શું છેલ્લા 75 વર્ષમાં 140 કરોડ લોકોને સારું શિક્ષણ આપી શકાતું નથી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો જન્મ જ સંઘર્ષ માટે થયો છે. આમ આદમી પાર્ટીમાં જોડાવા ઈચ્છતા લોકો વિચારી લે કે, આ કાંટાનો તાજ છે.

એક દિવસ એવો પણ આવશે કે...

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, એક દિવસ એવો પણ આવશે, જ્યારે દિલ્હીના અઢી કરોડ લોકો આમ આદમી પાર્ટીના મેમ્બર થશે અને એક દિવસ એવો પણ આવશે કે, દેશના 140 કરોડ લોકો આમ આદમી પાર્ટીના મેમ્બર બની જશે. કેજરીવાલે કહ્યું કે, દેશ અને આમ આદમી પાર્ટીમાંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો આમ આદમી પાર્ટીને લાત મારી દેજો અને દેશને પસંદ કરજો.


Google NewsGoogle News