કેજરીવાલને જેલથી સરકાર ચલાવવાની મંજૂરી ન મળે તો ઉત્તરાધિકારી કોણ? આ છે પ્રબળ દાવેદારો
દિલ્હી સરકાર અને AAP ચીફ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ સરકાર અને પાર્ટી માટે મુશ્કેલીઓ વધી ગઈ
Arvind Kejriwal Arrest | દિલ્હી સરકાર અને AAP ચીફ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ સરકાર અને પાર્ટી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. કેજરીવાલ કેબિનેટમાં નંબર ટુનું સ્થાન ધરાવતા મંત્રી આતિશીએ નિશ્ચિતપણે કહ્યું છે કે કેજરીવાલ મુખ્યમંત્રી પદે જળવાઈ રહેશે અને તે જેલમાંથી સરકાર ચલાવશે, પરંતુ આ વાત ફક્ત કહેવામાં સરળ લાગે છે, વાસ્તવિકતામાં એટલું સરળ નહીં હોય. આ વ્યવહારિક પણ લાગતું નથી. સરકારને એક લીડરની જરૂર પડશે, જ્યારે પક્ષને એવા ચહેરાની પણ જરૂર પડશે જે ચૂંટણી સમયે રાષ્ટ્રીય સંયોજકની અછતને અમુક અંશે દૂર કરી શકે.
ચર્ચાનો દોર શરુ થયો...
ગુરુવારે સાંજે ઇડી સીએમ હાઉસ પહોંચતાની સાથે જ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં કેજરીવાલની ધરપકડની આશંકા ફેલાઈ ગઈ હતી. આ સાથે કેજરીવાલ પછી કોણ આવશે તે અંગે પણ ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી માટે પહેલું નામ ખુદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલનું હોઈ શકે છે, જ્યારે બીજા ઉમેદવાર તરીકે આતિશીનું નામ સામે આવી રહ્યું છે.
દિલ્હીની સરકાર કોના હાથમાં રહેશે?
સૂત્રો જણાવે છે કે પૂર્વ ભારતીય મહેસૂલ સેવા અધિકારી સુનિતા કેજરીવાલ તેમના પતિ અરવિંદ કેજરીવાલ સાથે સરકારના કામકાજ પર અનૌપચારિક દેખરેખ રાખી ચૂક્યા છે. જ્યારે લગભગ દસ વર્ષથી રાજકીય પરિવારનો ભાગ હોવાને કારણે તેમની રાજકીય સમજ સામે સવાલો ઊઠાવી શકાય નહીં. પાર્ટીના સૂત્રો એ પણ કહે છે કે અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં પાર્ટી કાર્યકર્તાઓ સુનીતામાં તેમના નેતાને જુએ છે.
જ્યારે રાબડી દેવીએ સત્તાની કમાન હાથમાં લીધી હતી
અગાઉ બિહારમાં પણ આવું ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદે પોતાની પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. એ જ રીતે, તાજેતરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું રાજીનામું અને તેમની ધરપકડ પછી, તેમની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ ભાભી સીતા સોરેને વિરોધ કર્યા પછી પરિવારના વિશ્વાસુ ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
આતિશીનું નામ પણ ચર્ચામાં
આતિશીને સીએમ બનાવવાને લઈને પાર્ટીની અંદર જોરદાર ચર્ચા ચાલી રહી છે. શિક્ષણ, PWD અને નાણા જેવા મહત્વના વિભાગોની સાથે આતિશી દિલ્હી સરકારના સૌથી વધુ 14 વિભાગો ધરાવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જેમ તેઓ પણ સરકાર ચલાવવામાં કેજરીવાલને સક્રિયપણે ટેકો આપતા જોવા મળ્યા છે. મુખ્ય વિભાગો સંભાળવાને કારણે તેમની પાસે વધુ અનુભવ છે, તેથી પક્ષના સૂત્રોનું પણ માનવું છે કે સુનીતાના ઇનકારના કિસ્સામાં આતિશીને મુખ્ય પ્રધાન પદ સોંપવામાં આવી શકે છે.
કેજરીવાલના સમર્થનથી સંદીપ પાર્ટી ચલાવશે
પાર્ટી કન્વીનરની ધરપકડ બાદ પાર્ટીને ચલાવવાની જવાબદારી સીધી રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠક પર આવી જશે. તાજેતરમાં રાજ્યસભાના સભ્ય સંજય સિંહ એક્સાઈઝ કૌભાંડમાં જેલમાં ગયા બાદ અને રાજ્યસભાના અન્ય સભ્ય રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના કામકાજથી અંતર જાળવ્યું હતું ત્યારે માત્ર સંદીપ પાઠક જ પાર્ટીનું કામ જોઈ રહ્યા હતા. સંગઠનથી લઈને ચૂંટણી સુધી દરેક મામલામાં તેઓ કેજરીવાલના મુખ્ય સહયોગીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં સંદીપ પાઠક કેજરીવાલને સમર્થન આપીને પાર્ટી ચલાવશે તેવું માનવામાં આવે છે. પાર્ટીના આ મુશ્કેલ તબક્કામાં તેઓ સંગઠન માટે માર્ગદર્શક બળ બની રહેશે.
આપ સામે લોકસભા ટાણે મોટું સંકટ
મનીષ સિસોદિયા અને સંજય સિંહ બાદ હવે પાર્ટીના સૌથી મોટા ચહેરા અરવિંદ કેજરીવાલની ધરપકડથી એક તરફ વર્તમાન લોકસભા ચૂંટણીમાં દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં પાર્ટીના પ્રચારમાં મુશ્કેલી ઊભી થશે તો બીજી તરફ ભવિષ્યમાં પાર્ટીના વિસ્તરણ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાર્ટીએ વર્તમાન લોકસભા ચૂંટણીમાં દિલ્હી અને પંજાબ તેમજ હરિયાણા, ગુજરાત અને આસામમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. આવી સ્થિતિમાં કેજરીવાલ વિના આ રાજ્યોમાં પ્રચાર કરવો પાર્ટી માટે મુશ્કેલ સ્થિતિ બની રહેશે.