અરવિંદ કેજરીવાલ પહેલા આ મુખ્યમંત્રીઓની પણ થઈ હતી ધરપકડ, આપવું પડ્યું હતું રાજીનામું

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
અરવિંદ કેજરીવાલ પહેલા આ મુખ્યમંત્રીઓની પણ થઈ હતી ધરપકડ, આપવું પડ્યું હતું રાજીનામું 1 - image


CM Arrested in India: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમે ગુરુવારે તેમના ઘરેથી ધરપકડ કરી હતી. કેજરીવાલને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેજરીવાલ અત્યાર સુધી દેશના એકમાત્ર એવા મુખ્યમંત્રી છે, જે હોદ્દા પર ચાલુ હોવા છતાં તેમની ધરપકડ થઈ છે. આ પહેલા પણ દેશમાં અનેક મુખ્યમંત્રીની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ ત્યારે તેઓ મુખ્યમંત્રી પદે ન હતા. 

હેમંત સોરેન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની 31 જાન્યુઆરી 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ઈડીની કસ્ટડીમાં છે. તેમના પર જમીન કૌભાંડનો આરોપ છે. જો કે ઈડીની આઠ કલાકની પૂછપરછ બાદ રાજભવન પહોંચીને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. એટલે કે ધરપકડ પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી ચંપાઈ સોરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હવે ચંપાઈ સોરેન ઝારખંડનું સુકાન સંભાળી રહ્યા છે. 

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવ 1990થી 1997 વચ્ચે બિહારના મુખ્યમંત્રી હતા. આ દરમિયાન 30 જુલાઈ 1996ના રોજ તેમની ધરપકડ કરાઈ હતી. આ પહેલા 25 જુલાઈ 1996ના રોજ પટણાની સ્પેશિયલ કોર્ટ દ્વારા ધરપકડ વૉરંટ જારી કરાયું હતું. ત્યાર પછી તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજદ નેતા લાલુ પ્રસાદ યાદવને 2013માં ચારા કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમના પર પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સાથે ઘાસચારા કૌભાંડનો આરોપ હતો. 

ઉમા ભારતી

ઉમા ભારતીની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી હતા, પરંતુ ધરપકડ પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમના પર આરોપ હતો કે, 15 ઓગસ્ટ 1994ના રોજ કર્ણાટકના હુબલી શહેરની એક મસ્જિદ પર તેમણે ધ્વજ ફરકાવ્યો હતો અને આ કારણસર કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જો કે આ ઘટનાના 10 વર્ષ બાદ તેમની ધરપકડ થઈ હતી. 

જે. જયલલિતા

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા 1991થી 2016 વચ્ચે મુખ્યમંત્રી હતા. 1996માં ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જયલલિતાને 2014માં કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. આ પછી તેને જેલમાં જવું પડ્યું. ધરપકડ પહેલા તેણે રાજીનામું આપી દીધું હતું.

ચંદ્રાબાબુ નાયડુ

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પણ ધરપકડ થઈ ચૂકી છે. જો કે ત્યારે તેઓ પણ મુખ્યમંત્રી પદે ન હતા. કૌશલ્ય વિકાસ કૌભાંડમાં તેની ધરપકડ કરાઈ હતી. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા ખાનને પણ જેલ ભેગા થવું પડ્યું હતું. ઝારખંડના જ પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની પણ ધરપકડ કરાઈ હતી, પરંતુ તેઓ પણ ત્યારે મુખ્યમંત્રી પદે ન હતા.

ઓમ પ્રકાશ ચૌટાલા

આ ઉપરાંત હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તે સમયે તેઓ મુખ્યમંત્રી પણ ન હતા. ચૌટાલાને 2013માં શિક્ષક ભરતી કેસમાં દોષિત ઠેરવાયા હતા. આ કેસમાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી, જ્યારે 2022માં તેમને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચાર વર્ષની જેલની સજા કરાઈ હતી. ચૌટાલા 1989થી 2005 વચ્ચે ઘણી વાર હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા હતા.

બી.એસ. યેદિયુરપ્પા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાની પણ 2011માં જમીન કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી. જો કે, ધરપકડના લગભગ બે મહિના પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું હતું. તેણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી  એમ. કરુણાનિધિની પણ 2001માં ધરપકડ કરાઈ હતી અને તેઓ પણ ત્યારે મુખ્યમંત્રી ન હતા.

નોંધનીય છે કે, મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે ચોક્કસ કાયદા અને નિયમો છે. તેઓ પદ પર હોય ત્યારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ગુનાઈત કાર્યવાહીમાંથી મુક્તિ મળે છે.  

અરવિંદ કેજરીવાલ પહેલા આ મુખ્યમંત્રીઓની પણ થઈ હતી ધરપકડ, આપવું પડ્યું હતું રાજીનામું 2 - image


Google NewsGoogle News