'મારાથી ભૂલ થઈ ગઈ', માનહાનિ કેસમાં કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં માફી માગી
દિલ્હી હાઈકોર્ટે આ કેસને રદ કરવાની ના પાડી દીધી હતી
Arvind Kejriwal Defamation Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાની ભૂલ સ્વીકારી છે. એક યુટ્યુબરના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર રીપોસ્ટ કરવા બદલ કેજરીવાલ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. આ કેસને રદ્દ કરવા માટે તેમણે સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 11મી માર્ચે થશે.
જાણો શું છે મામલો
વર્ષ 2018માં કેજરીવાલ સામે એક યુટ્યુબર વીડિયોને 'X'પર રીપોસ્ટ કરવા બદલ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે વીડિયોમાં વિકાસ સાંકૃત્યાયન નામના વ્યક્તિ વિશે અપમાનજનક વાતો કહેવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ કેસને રદ કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મોટી સંખ્યામાં લોકો કેજરીવાલને ફોલો કરે છે. ફરિયાદી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક વોતોની પુષ્ટિ કર્યા વિના તેમણે વીડિયોને 'X'પર રીપોસ્ટ કરીને કરોડો લોકો સુધી પહોંચાડ્યો છે.' આ કેસને રદ કરવાની અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
કોણ છે ફરિયાદી વિકાસ સાંકૃત્યાયન?
આ કેસ વિકાસ સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક હોવાનો દાવો કરે છે અને સોશિયલ મીડિયા પેજ 'આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી'ના સ્થાપક છે. કેજરીવાલે એક યુટ્યુબર દ્વારા બનાવેલો 'BJP IT સેલ પાર્ટ 2' વીડિયોનો રીપોસ્ટ કર્યો હતો.