હવે INDIA ગઠબંધન છે', અરવિંદ કેજરીવાલનું મહત્વપૂર્ણ નિવેદન, AAP કાર્યકર્તાઓને આપી સલાહ
મુખ્યમંત્રી કેજરીવાલે AAP કાર્યકર્તાઓને અંધભક્તોથી બચીને રહેવા આપી સલાહ, કહ્યું ‘તેમને માત્ર એક વ્યક્તિ સાથે પ્રેમ’
ભાજપે દેશની પ્રગતિ માટે એક પણ કામ કર્યું નથી, લોકો ઈન્ડિયા એલાયન્સને ભાજપના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે : કેજરીવાલ
નવી દિલ્હી, તા.23 ઓક્ટોબર-2023, સોમવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) ફરી ભાજપ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપે દેશની પ્રગતિ માટે એક પણ કામ કર્યું નથી. તેમણે સંબોધન દરમિયાન પક્ષના કાર્યકર્તાઓને સોમવારે કહ્યું કે, લોકો ઈન્ડિયા એલાયન્સ (I.N.D.I.A Alliance)ને ભાજપના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે દેશ સમક્ષ 3 સમસ્યાઓ છે, જેમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામેલ છે, જેનો જવાબ સરકાર પાસે નથી. તેમણે લોકોને વિનંતી કરતા કહ્યું કે, હવે આપણે ખુબ મહેનત કરવી પડશે.
‘ઈન્ડિયા એલાયન્સને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે લોકો’
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, અગાઉ લોકો કહેતા હતા કે, કોઈ વિકલ્પ નથી, જોકે લોકો હવે ઈન્ડિયા એલાયન્સને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જ્યારથી ઈન્ડિયા ગઠબંધન બન્યું છે, મને ઘણા મેસેજ આવી રહ્યા છે કે, જો ઈન્ડિયા ગઠબંધન ટકી જશે, જે ટકશે તો 2024માં તેમની (BJP) સરકાર નહીં બને. કેજરીવાલે કાર્યકર્તાઓને કહ્યું, તમારી જવાબદારી છે કે, તમે એક-એક ઘરોમાં જઈને, પોતાના મિત્રો, સંબંધીઓ, પોતાની કૉલોનીના લોકો સાથે વાત કરો કે, જો તમે પ્રગતિ ઈચ્છો છો અને પોતાના પરિવારનું ભલું ઈચ્છો છો તો આ વખતે તેમને (ભાજપ) ભગાડો.
કેજરીવાલે અંધભક્તો પર સાંધ્યુ નિશાન
સંબોધન દરમિયાન કેજરીવાલે અંધભક્તો પર પણ નિશાન સાધ્યું છે. તેમણે અંધભક્તો (ભાજપ કાર્યકર્તાઓ)ની વાતોમાં ન ફસાવા લોકોને સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ‘તમારે ધ્યાન રાખવાનું છે કે, અંધભક્તોની વાતોમાં ન આવો, દેશભક્તો સાથે વાત કરજો. જેઓ દેશક્ત છે, તેઓ તમારી વાત સાંભળશે.’ કેજરીવાલે દાવો કરતા કહ્યું કે, અંધભક્તોને દેશ સાથે કોઈ લેવાદેવા નથી. તેમને માત્ર એક વ્યક્તિ સાથે પ્રેમ છે. 2 મિનિટમાં ખ્યાલ આવી જશે કે કયો વ્યક્તિ અંધભક્ત છે અને કયો વ્યક્તિ દેશભક્ત છે. જેઓ અંધભક્ત છે, તેઓ દેશભક્ત ન હોઈ શકે અને જેઓ દેશભક્ત છે તેઓ અંધભક્ત ન હોઈ શકે. બંને જુદી જાતિઓ છે. તેથી અંધભક્તોની વાતમાં ન આવતા, તેઓ તમારી વાત નહીં સ્વિકારે.