Get The App

અરૂણાચાલ, સિક્કિમમાં 4 જૂન નહીં પરંતુ 2 જૂને થશે મતગણતરી, જાણો શા માટે બદલાઈ તારીખ

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
અરૂણાચાલ, સિક્કિમમાં 4 જૂન નહીં પરંતુ 2 જૂને થશે મતગણતરી, જાણો શા માટે બદલાઈ તારીખ 1 - image


Election Result Date : અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 જૂનના બદલે 2 જૂને રજૂ કરાશે. બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. તેવામાં મતગણતરીનું કામ 2 જૂને કોઈપણ સંજોગોમાં પૂર્ણ થઈ જવું જોઈએ. તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખ નક્કી કરી હતી ફેરફાર કર્યો છે. હવે મતગણતરી 2 જૂને થશે.

ગઈકાલે જાહેર થયો હતો લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ

દેશમાં ગઈકાલે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીના મહાભારતનો શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. વર્ષ 2019ની જેમ આ વખતે પણ લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂને સાતમા તબક્કાનું મતદાન થશે, જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે. ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાતેય તબક્કામાં મતદાન થશે. લોકસભા સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ 26 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, દેશમાં સાત તબક્કામાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને મતદાન થશે તથા 4 જૂને પરીણામ જાહેર થશે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. તેથી આ પહેલાં નવી લોકસભાની રચના થઈ જશે. લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે શનિવારથી જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી માટે 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર કુલ 55 લાખ ઈવીએમનો ઉપયોગ થશે. આ મતદાન કેન્દ્રો પર 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીની કામગીરી સંભાળશે. 

ચૂંટણી પંચે કહ્યું કે, દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થશે જ્યારે ગુજરાત, આંધ્ર પ્રદેશ, દિલ્હી, હરિયાણા સહિત ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં મતદાન થશે. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે.

દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેલા તબક્કામાં જ મતદાન પૂરું થઈ જશે. 26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં વધુ ચાર રાજ્યોમાં મતદાન પૂરું થઈ જશે. ત્રીજા તબક્કામાં 7 મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે અને વધુ છ રાજ્યોમાં મતદાન પૂરું થશે. 

ચૂંટણી પંચે ઉમેર્યું કે, 13 મેના રોજ ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે તેમજ વધુ ત્રણ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂરી થશે. પાંચમા તબક્કામાં 20 મેના રોજ આઠ રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે અને વધુ ત્રણ રાજ્યોમાં મતદાન પૂરું થઈ જશે. 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે અને આ તબક્કામાં વધુ બે રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂરી થશે. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.

હિંસાગ્રસ્ત મણિપુરમાં લોકસભાની બે બેઠક છે, જેમાં ઈનર મણિપુર અને આઉટર મણિપુરના કેટલાક ભાગમાં 19 એપ્રિલે જ્યારે આઉટર મણિપુરના બાકીના ભાગમાં 26 એપ્રિલે મતદાન થશે. રાહત કેમ્પમાં રહેતા લોકોને ત્યાંથી મતદાન કરવાની સુવિધા અપાશે.


Google NewsGoogle News