સિક્કિમમાં SKMએ સપાટો બોલાવ્યો, ભાજપ-કોંગ્રેસને '0' બેઠક, અરુણાચલ પ્રદેશમાં ભગવો લહેરાયો
Arunachal Pradesh and Sikkim Election 2024 Result : અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. 60 વિધાનસભા બેઠકો ધરાવતા અરુણાચલ પ્રદેશમાં ભાજપે 10 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી અને હવે મતગણતરી બાદ આંકડો એ પણ સામે આવ્યો કે ભાજપ અહીં 46થી વધુ બેઠકો જીતી ગયો છે. જ્યારે સિક્કિમમાં 32 સીટો પર મતગણતરી પૂર્ણ થઇ ચૂકી છે. જ્યાં સિક્કિમ ક્રાંતિકારી મોરચો (SKM) 31 બેઠક જીતીને બહુમતીમાં છે. એક જ બેઠક સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (SDF) ના ખાતામાં આવી હતી. અહીં 19 એપ્રિલે મતદાન થયું હતું. સિક્કિમમાં કુલ 79.88 ટકા મતદાન થયું હતું જ્યારે અરુણાચલ પ્રદેશમાં 82.95 ટકા મતદાન થયું હતું
સિક્કિમમાં એકતરફી જીત
સિક્કિમમાં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળના સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને પવન કુમાર ચામલિંગના સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે સ્પર્ધા હતી. જોકે સત્તારુઢ SKMએ 32 બેઠકો ધરાવતી સિક્કિમની વિધાનસભામાં 31 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે એસડીએફના ખાતામાં એક બેઠક આવી છે. સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શક્યા. ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 146 ઉમેદવારોમાં મુખ્ય ઉમેદવારોમાં મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ, તેમની પત્ની કૃષ્ણા કુમારી રાય, પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ, પૂર્વ ભારતીય ફૂટબોલર બાઈચુંગ ભૂટિયા અને ભાજપના નરેન્દ્ર કુમાર સુબ્બાનો સમાવેશ થાય છે. 2019માં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળની SKMએ 17 બેઠકો જીતી હતી, જ્યારે SDFને 15 બેઠકો મળી હતી.
સિક્કિમ વિધાનસભા- 32 બેઠક
બહુમતી માટે જોઈએ- 17 બેઠક
પક્ષ જીત
SKM 31
SDF 1
SDF 1
ભાજપ 0
કોંગ્રેસ 0
અરુણાચલમાં ભાજપને બહુમત
અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટની વાત કરીએ તો ભાજપને કુલ 46 બેઠકો મળી જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને 5, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને 3, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (પીપીએ)ને 2 અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી છે, જ્યારે અપક્ષ પણ 3 બેઠક જીત્યા છે. એનસીપીએ અહીં મજબૂત પ્રદર્શન કર્યું હોય તેવું લાગે છે. એટલે જ તેણે કોંગ્રેસ કરતાં પણ વધુ 2 બેઠકો અહીં જીતી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશમાં બહુમતીનો આંકડો 31 બેઠકોનો છે. ભાજપ અહીં એકલા હાથે તેના કરતાં વધુ બેઠક જીતી જવામાં સફળ રહ્યો છે. 60 સીટોવાળી અરુણાચલ વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો. ભાજપે તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર 19 બેઠકો પર ચૂંટણી લડી હતી.
અરુણાચલ વિધાનસભા- 60 બેઠક
બહુમતી માટે જોઈએ- 31 બેઠક
પક્ષ જીત
ભાજપ 46
એનપીપી 5
એનસીપી 3
પીપીએ 2
કોંગ્રેસ 1
અપક્ષ 3