Reel vs Real: કલમ 370 હટાવવાની અસલી અને સંપૂર્ણ કહાની વાંચો અહીં...

ભાજપના સંકલ્પ પત્રમાં 370 નાબૂદીની વાત લખાઈ, પરંતુ તેને પાર પાડવો ઘણો મુશ્કેલ હતો

કલમ-370 નાબુદ થાય તે પહેલા ભાજપ-પીડીપી સરકારમાં કાશ્મીરીઓની આંખે પાણી આવી ગયું

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
Reel vs Real: કલમ 370 હટાવવાની અસલી અને સંપૂર્ણ કહાની વાંચો અહીં... 1 - image


Article 370 Real Story : અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam)ની ફિલ્મ આર્ટિકલ 370 બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ થોડા દિવસ પહેલા જ રિલિઝ થઈ, છતાં છપ્પરફાડ કમાણી કરી ભરપુર સફળતા મેળવી રહી છે. આ ફિલ્મ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ-370 નાબુદ કરવા પર બનાવાઈ છે. આ ફિલ્મમાં દર્શાવાયું છે કે, મોદી સરકારે (Modi Government) કેવી રીતે કાયદાના રસ્તાથી લઈને રાજકીય યુક્તિ અપનાવી જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો છે.

શું ફિલ્મ આર્ટિકલ-370 ખરેખર સત્ય ઘટના આધારીત છે?

ફિલ્મના નિર્માતાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, અમે આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત બનાવી છે, પરંતુ તેમાં કેટલાક દ્રશ્યોમાં ક્રિએટિવ લિબર્ટીનો પણ ઉપયોગ કરાયો છે, તેથી આ ફિલ્મને સંપૂર્ણ સત્ય આધારીત માની શકાય નહીં. નિર્માતાઓએ તો સંપૂર્ણ સત્ય બતાવ્યું નથી, પરંતુ જેણે આર્ટિકલ 370 નાબુદ કરવાનું કામ કર્યું હતું, તે ઘટનાક્રમ અંગે અમે જાણીએ છીએ. આજે અમે તમને રીલની દુનિયામાંથી બહાર લાવી રીયલ ઘટના અંગે માહિતી આપીશું.

સંકલ્પ પત્રમાં કલમ-370 નાબૂદ કરવાની વાત

વર્ષ 2014માં ભાજપ સત્તામાં આવવા ઉપરાંત આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં પીડીપીને 28, ભાજપને 25, એનસીને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. કોઈની પાસે બહુમતી નહોતી. ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah)ની પાર્ટી મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) સાથે જવા તૈયાર નહોતી. આવી સ્થિતિમાં કેટલાક દિવસો સુધી રાજકારણ ગરમાતું રહ્યું. જમ્મુ-કાશ્મીરના કઈ સરકારની એન્ટ્રી થશે, તેની સૌકોઈ ચર્ચા કરતા હતા. અહીં સમજવા જેવી વાત એ છે કે ભાજપના સંકલ્પ પત્રમાં કલમ-370 નાબૂદ કરવાની વાત લખાઈ છે. આ સંકલ્પ પાર પાડવો ભાજપ માટે મુશ્કેલ હતો, કારણ કે જમ્મુ-કાશ્મીરમાં તેની સરકાર ક્યારેય બની ન હતી.

ભાજપ માટે જમ્મુ-કાશ્મીરમાં એન્ટ્રી કરવાનો રસ્તો ખુલ્યો

જોકે ચૂંટણીમાં ભાજપ બીજા નંબરની પાર્ટી તરીકે ઉભરી આવતા તેને તક મળી હતી. તે સમયે સરકાર તેનો ખુલ્લેઆમ ઉલ્લેખ કરતી ન હતી, પરંતુ અંદરોઅંદર ખુબ ચર્ચાઓ ફરતી થઈ હતી. ભાજપની પ્રથમ પ્રાથમિકતા કોઈપણ પ્રકારે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાની હતી અને તે પીડીપી સાથે ગઠબંધન કરવા પણ રાજી થઈ ગઈ હતી. બંને પક્ષો વચ્ચે માર્ચમાં ઘણા તબક્કામાં વાતચીત થઈ, ત્યારબાદ એક એવું ગઠબંધન બન્યું કે, કોઈએ કલ્પના પણ કરી ન હતી. બંને પક્ષો રાજી થયા બાદ મુફ્તી મોહમ્મદ સઈદ (Mufti Mohammad Sayeed)ને મુખ્યમંત્રી બનાવાયા અને ભાજપ તરફથી નિર્મલ કુમાર સિંહને નાયબ મુખ્યમંત્રી બનાવાયા.

ગઠબંધનની સરકાર છતાં પીડીપી સામે ભાજપ લડાયક મૂડમાં

ઘણી મથામણ બાદ ભાજપની જમ્મુ-કાશ્મીરમાં એન્ટ્રી થઈ... હવે ભાજપનો સંકલ્પ 370 ખતમ કરવા પર અને પીડીપીનો સંકલ્પ - પાકિસ્તાન સાથે શાંતિ માટે વાતચીત કરવાનો અને આતંકવાદીઓ સાથે પણ સંવાદ સ્થાપિત કરવાનો... બંને પક્ષોએ કહેવા પુરતો એક કૉમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો, પરંતુ શરૂઆતથી જ સરકારમાં વાંધા-વચકા તો ચાલતા જ રહ્યા... બંને પક્ષો વચ્ચે કોઈક ને કોઈક મુદ્દા પર આંતરીક ડખા તો ચાલતા જ રહેતા હતા. મહેબાબુની ઈચ્છા રમઝાનમાં સિઝફાયરની હતી, પણ ભાજપ તૈયાર ન હતી. તેમ છતાં લાગુ કરાયો અને આતંકવાદની ઘટનામાં વધારો થયો. એકતરફ ભાજપ 370 હટાવવાનો પ્રયાસો કરતી, તો બીજીતરફ પીડીપી 370ને બચાવવામાં લાગી હતી. પીડીપી પથ્થરમારો કરનારાઓ પર દયા દેખાડતી હતી, તો ભાજપ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી હતી.

ભાજપ-પીડીપીના વિવાદ વચ્ચે કાશ્મીર સળગ્યું ને 84ના મોત થઈ ગયા

ત્યારબાદ ગઠબંધન સરકારમાં સૌથી મોટો વાંધો-વિવાદ અને ડખો ત્યારે ઉભો થયો જ્યારે 2016ની આઠમી જુલાઈએ હિજબુલના કમાન્ડર બુરહાન વાનીને મોતને ઘાટ ઉતારી દેવાયો. ભાજપમાં નજરમાં તે આતંકવાદી હતો, તો પીડીની નજરમાં કાશ્મીરનો યુવા... આ બંનેના વિવાદ વચ્ચે કાશ્મીર સળગ્યું. સાત મહિના સુધી હિંસા ચાલી, કર્ફ્યૂ લગાવવો પડ્યો અને 84 લોકોના મોત થયા. 2016ની હિંસાએ તો કાશ્મીરીઓને 1990ની મિલિટેન્સીની હિંસા યાદ અપાવી દીધી. એટલે કે કાશ્મીરીઓની હાલત સરવાળે શૂન્યથી પણ બદતર થઈ ગઈ. ગઠબંધને કાશ્મીરનું ભલુ તો ન કર્યું, પરંતુ મૂંઝવણ ઉભી કરી તણાવપૂર્ણ સ્થિતિ ઉભી કરી નાખી હતી.

જમ્મુ-કાશમીરમાં ગઠબંધનની સરકાર 40 મહિના ટકી

આ તે સમયગાળો હતો, જેમાં ભાજપ અને પીડીપી વચ્ચેના સંબંધોમાં લાંબી તિરાડ ઉભી થઈ ગઈ હતી. તેમની પાસે જુદા પડ્યા સિવાય કોઈપણ રસ્તો બચ્યો ન હતો. આવી સ્થિતિ વચ્ચે ગઠબંધનની સકાર 40 મહિના ટકી અને 2018ની 19મી જૂને ભાજપે પીડીપીને આપેલું સમર્થન પરત ખેંચી લેતા સરકાર પડી ગઈ. હવે આ સંપૂર્ણ ઘટનાક્રમને 370ની દ્રષ્ટિએ સમજવી જરૂરી છે. તે સમયે મીડિયામાં કહેવા પુરતા કેટલાક પસંદગીના કારણોની જ ચર્ચા ચાલતી હતી, પરંતુ ગઠબંધનની તૂટવાનું એક મોટું કારણ કલમ-370 પણ હતું.

જમ્મુ-કાશ્મીરમાં ભારે ઉથલ-પાથલ, પહેલા રાજ્યપાલ શાસન, પછી રાષ્ટ્રપતિ શાસન

ભાજપને સમજાઈ ગઈ હતું કે, જો પીડીપી સાથે ગઠબંધનમાં રહીશું તો 370નો સંકલ્પ ક્યારેય પૂરો નહીં થાય. જાણકારોનું માનવું છે કે, ગઠબંધન તૂટવું એ કલમ 370 નાબૂદ કરવાનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. એવું એટલા માટે કે, ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યપાલ શાસન લાદી દેવાયું હતું. સત્યપાલ મલિકને રાજ્યપાલ બનાવાયા હતા અને તેમણે 23 ઓગસ્ટે પદ સંભાળી લીધું હતું. હવે સમજવા જેવી વાત એ હતી કે રાજ્યપાલ શાસનને 6 મહિનાથી વધુ લંબાવી શકાય નહીં. તેથી 2018ની 19મી ડિસેમ્બરે તેને નાબૂદ કરી દેવાયું અને જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું.

રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પહેલા સત્યપાલ મલિકે એક મોટું કામ કરી દીધું

હવે એક વાત સમજવા જેવી છે કે, જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પહેલા સત્યપાલ મલિકે (Satya Pal Malik) એક મોટું કામ કરી દીધું હતું. તેમણે 21 નવેમ્બરે જમ્મુ-કાશ્મીરનું વિધાનસભા ભંગ કરી દીધું હતું. રાજ્યપાલની ઓફિસની ફેક્સ મશીન ખરાબ થઈ ગઈ, જેના કારણે બંને પક્ષોનો રાજ્યપાલ સુધી પત્ર ન પહોંચી શક્યો. હવે આ જે ફેક્સ મશીનવાળો કાંડ હતો, તેને લઈને પણ જુદી જુદી ચર્ચાઓ છે. મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા આને મોટા ષડયંત્રનો ભાગ માને છે જેથી સરકાર ન બની શકે. 

બીજી તરફ મોદી સરકારની રણનીતિ તરીકે જોઈએ તો જો પીડીપી-એનસીની સરકાર બની હોત તો કલમ-370 નાબૂદ કરવાનો સંકલ્પ પૂરો ન થયો હોત. આ કારણોસર કેટલાક લોકો માને છે કે, મોટી રણનીતિના ભાગરૂપે, સત્યપાલ મલિકે જાણીજોઈને વિધાનસભા ભંગ કરાવી અને બાદમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું.


Google NewsGoogle News