JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર, યૌન શોષણ કેસમાં કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: કર્ણાટકના હાસન બેઠકથી સાંસદ અને ચૂંટણીમાં ભાજપના સહયોગી જેડીએસના સસ્પેન્ડ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના હાલ ચર્ચામાં છે. તેમના વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું છે. ગત મહિને પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડન, તેના હજારો વીડિયો રેકોર્ડ કરવા, ધમકાવવા અને ષડયંત્ર રચવાના આરોપ છે. રેવન્નાથી જોડાયેલા અનેક વાયરલ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, સસ્પેન્ડેડ જનતા દળ (સેક્યુલર) નેતા પ્રજ્વલ રેવન્ના વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરી દેવાયું છે. જ્યાં કર્ણાટકની SITએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને પ્રજ્વલ રેવન્ના વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવાની મંજૂરી માંગી હતી.
રેવન્ના-પ્રજ્વલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા 700 મહિલાઓની માંગ
રેવન્નાની ધરકપડ અગાઉ મહિલા અધિકાર જૂથની 700થી વધુ મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખી પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. મહિલાઓએ આ અભિયાન ગૂગલ ફોર્મ દ્વારા હાથ ધર્યું હતું. પત્ર લખનાર મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા આયોગની નબળી પ્રતિક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે. અખિલ ભારતીય નારીવાદી ગઠબંધન, વીમેન ફૉર ડેમેક્રેસી અને મહિલા અધિકારો માટે લડતા અન્ય સંગઠનોના સભ્યોએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખી પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પત્રોમાં 710 મહિલાઓની સહીઓ છે. તેમણે એચ.ડી.રેવન્ના અને પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા માંગ કરી હતી.
કોણ છે પ્રજ્વલ રેવન્ના?
પ્રજ્વલ રેવન્ના પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડાના પૌત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર છે. તે હસન બેઠક પરનો સાંસદ છે અને આ વખતે પણ પાર્ટીએ તેમને હસન લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, રેવન્નાનો કથિત અશ્લીલ વીડિયો જાહેર થયા બાદ તે શનિવારે સવારે જ જર્મની ભાગી ગયો હતો.