શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરો: કલકત્તા હાઈકોર્ટની મમતા સરકારને ફટકાર
- શાહજહાં શેખના ઠેકાણા પર પહોંચેલી EDની ટીમ પર થયેલા હુમલા બાદથી તે ફરાર
કોલકાતા, તા. 26 ફેબ્રુઆરી 2024, સોમવાર
સંદેશખાલી મામલે કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર કડક વલણ દાખવતા કહ્યું કે, TMCના બાહુબલી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના સાગરિતો તેમનું શોષણ કરતા હતા અને બળજબરીથી તેમની જમીન હડપી લેતા હતા. શાહજહાં શેખના ઠેકાણા પર પહોંચેલી EDની ટીમ પર થયેલા હુમલા બાદથી તે ફરાર છે. શાહજહાં શેખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ધરપકડ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.
શાહજહાં શેખની ધરપકડ થવી જ જોઈએ: કલકત્તા હાઈકોર્ટ
કલકત્તા હાઈકોર્ટે સંદેશખાલી મામલે સંજ્ઞાન લેતા સુનાવણી શરૂ કરી હતી. બીજી તરફ ન્યાયાધીશે TMC સાંસદ અભિષેક બેનર્જી અને બંગાળના અન્ય બે મંત્રીઓની ટિપ્પણીઓ પર પણ કડક વલણ અપનાવતા કહ્યું કે, કોર્ટે શાહજહાં શેખની ધરપકડ પર ક્યારેય રોક નથી લગાવી. તેની ધરપકડ થવી જોઈએ. અભિષેક બેનર્જીએ રવિવારે કહ્યું હતું કે ફરાર નેતા શાહજહાં શેખની ધરપકડમાં વિલંબ ન્યાયપાલિકાને કારણે થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે શાહજહાં શેખને ન્યાયપાલિકા દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે જેથી સંદેશખાલીનો મુદ્દો બની રહે. તેમણે કહ્યું કે જ્યારે TMCના નેતાઓ પાર્થ ચેટર્જી અને જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી લેવામાં આવી તો શાહજહાં શેખ કોણ છે. તેની તો તાત્કાલિક ધરપકડ કરી લેવાની હતી.
શાહજહાંના સહયોગીઓએ EDના અધિકારીઓ પર હુમલો કર્યો હતો
રાશન કૌભાંડ મામલે EDની ટીમ શાહજહાં શેખના ઠેકાણા પર દરોડા પાડવા પહોંચી હતી. ત્યારબાદ શાહજહાંના સહયોગીઓએ EDના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. તે પછી કલકત્તા હાઈકોર્ટે ED અને રાજ્ય પોલીસ અધિકારીઓની સાથે મળીને એક તપાસ ટીમ બનાવવાનું કહ્યું હતું. EDએ થોડા દિવસો બાદ તેના પર રોક લગાવાની માંગ કરી તો હાઈકોર્ટે તેને મંજૂરી આપી. ત્યારબાદ ED અને રાજ્ય પોલીસ બંનેએ જ સ્વતંત્ર તપાસ માટે મંજૂરી માંગી હતી. ખંડપીઠે 7 ફેબ્રુઆરીના રોજ જારી કરેલા આદેશમાં રાજ્ય પોલીસની તપાસ પર રોક લગાવી દીધી હતી.