ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર આશરે 63 ટકા મતદાન

Updated: May 14th, 2024


Google NewsGoogle News
ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર આશરે 63 ટકા મતદાન 1 - image


- લોકસભાની કુલ 543માંથી 381 બેઠકો પર અને 23 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ

- 370 રદ થયા બાદ શ્રીનગરમાં પ્રથમ ચૂંટણી, 36.58 ટકા મતદાન છતા દસકાનું સૌથી વધુ હોવાનો ચૂંટણી પંચનો દાવો

નવી દિલ્હી : આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ વચ્ચે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાની ૯૬ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું હતું. ચૂંટણી પંચના સાંજ સુધીના આંકડા મુજબ ૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની ૯૬ બેઠકો પર આશરે ૬૩ ટકા જેટલુ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫.૯૪ ટકા મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઇ હતી, શ્રીનગરમાં મામુલી ૩૬.૫૮ ટકા જ મતદાન થયું હતું. જોકે તેમ છતા ચૂંટણી પંચે કહ્યું હતું કે શ્રીનગરમાં આ વખતે દસકાનું સૌથી વધુ મતદાન થયું છે.

ચૂંટણી પંચના જાહેર કરાયેલા આંકડા મુજબ રાત્રે આઠ વાગ્યા સુધીમાં ૯૬ બેઠકો પર આશરે ૬૨.૮૪ ટકા મતદાન થયું હતું. અન્ય રાજ્યો પર નજર કરીએ તો આંધ્ર પ્રદેશમાં ૬૮.૧૨ ટકા, બિહારમાં ૫૫.૯૦ ટકા, ઝારખંડમાં ૬૩.૩૭ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૮.૬૩ ટકા, મહારાષ્ટ્રમાં ૫૨.૭૫ ટકા, ઓડિશામાં ૬૩.૮૫ ટકા, તેલંગાણામાં ૬૧.૩૯ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૭.૮૮ ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં ૬૬.૧૪, બીજા તબક્કામાં ૬૬.૭૧, ત્રીજા તબક્કામાં ૬૫.૬૮ ટકા મતદાન થયું હતું, ચોથા તબક્કામાં હાલની ટકાવારી ૬૩ ટકા છે જોકે તેમાં મામૂલી વધારો થઇ શકે છે. 

હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી સામે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કે માધવી લાઠાએ મુસ્લિમ મહિલા મતદારોને મતદાન સમયે ઓળખ માટે બુરખો ઉતારવા કહ્યું હતું. જેને પગલે તેની સામે ચૂંટણી પંચે ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આંધ્ર પ્રદેશમાં ટીડીપી અને વાયએસઆરસીપીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી હતી. જેથી બન્નેએ એકબીજા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. 

આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ૧૭૫ અને લોકસભાની ૨૫ બેઠકો પર સાથે મતદાન યોજવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં ઇવીએમ ખરાબ થવા અને એજન્ટો સામેની કુલ ૧૭૦૦ જેટલી ફરિયાદો મળી હતી. બંગાળમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી હતી. સીઆઇએસએફએ ટ્વિટર પર જણાવ્યું હતું કે હિંસાની ઘટનામાં અર્ધ સૈન્ય દળના બે જવાન ઘાયલ થયા હતા. 

ચોથા તબક્કામાં તેલંગાણાની ૧૭, આંધ્રની ૨૫, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની પાંચ, ઝારખંડની ચાર,  મધ્ય પ્રદેશની ૮, મહારાષ્ટ્રની ૧૧, ઓડિશાની ૪, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ કાશ્મીરની એક બેઠક પર મતદાન થયું હતું. હવે આગામી બાકી રહેલા ત્રણ તબક્કાનું મતદાન ૨૦, ૨૫ મે અને ૧ જુનના રોજ યોજાશે. ચોથા તબક્કામાં ટોચના નેતાઓ અખિલેશ યાદવ, ઓમર અબ્દુલ્લા, મહુઆ મોઇત્રા, અધિર રંજન ચૌધરી, શત્રુઘ્ન સિન્હા, અસાદુદ્દીન ઓવૈસી સહિતનાનું ભવીષ્ય ઇવીએમમાં કેદ થઇ ગયું છે. ચોથા તબક્કા સાથે જ લોકસભાની કુલ ૩૮૧ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું. સાથે જ ૨૩ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં પણ ચૂંટણી પુરી થઇ.


Google NewsGoogle News