Get The App

અમરનાથ યાત્રા પહેલાં 40 પાકિસ્તાની આતંકીઓએ જમ્મુમાં ઘૂસણખોરી કર્યાના દાવાથી ખળભળાટ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
indian army


Jammu & Kashmir: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં એકબાજુ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. તો બીજી બાજુ જમ્મુમાં 29 જૂનથી પારંપરિક અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. આવા સમયે જમ્મુમાં 30 થી 40 વિદેશી આતંકીઓ ઘૂસણખોરી કરી હોવાના અહેવાલોથી સુરક્ષા દળોમાં દોડધામ મચી ગઈ છે. 

બીજી બાજુ પાકિસ્તાની સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા ચીની ટેલિકોમ સાધનો આ સરહદીય કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આતંકીઓ પાસેથી મળી આવતા સુરક્ષા માટે નવા જોખમો ઊભા થયા હોવાનો અંદેશો સેવાઈ રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકવાદ બેઠો કરવાનું કાવતરું

જમ્મુ-કાશ્મીરમાં તંત્ર વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરવાની સાથે દર વર્ષે યોજાતી પારંપરીક અમરનાથ યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે તેવા સમયે સારૌજરી, પૂંછ અને કહુઆ સેક્ટરોમાં 30 થી 40 વિદેશી આતંકીઓ ઘૂસી આવ્યા હોવાના અહેવાલો છે. મુખ્યરૂપે પાકિસ્તાની મૂળના આતંકીઓ કથિત રીતે જમ્મુમાં ફરી એક વખત આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

આતંકીઓએ સ્થાનિક ગાઈડ્સ અને નેટવર્કની પણ મદદ લીધી 

સુરક્ષા દળના સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાની મૂળના આ આતંકીઓ સ્થાનિક ગાઈડ્સ અને સહાયતા નેટવર્કની મદદથી નાની-નાની ટીમોમાં કામ કરી રહ્યા છે. આ આતંકીઓએ 2-3 જૂથ બનાવ્યા છે અને સ્થાનિક સ્લિપર સેલ સાથે સારી રીતે જોડાયેલા છે. 

આ આતંકીઓને જવાબ આપવા માટે સૈન્ય અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તેમના ગુપ્તચર અભિયાનોને તીવ્ર બનાવ્યા છે અને ઘૂસણખોરીના પ્રયત્નોને અસરકારક રીતે રોકવા માટે આતંકવાદ વિરોધી ગ્રીડ મજબૂત કરી છે.

સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા દળો વિશેષરૂપે આંતરરાષ્ટ્રીય સરહદના નિરીક્ષણ અને આતંકવાદ વિરોધી ગ્રીડને મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહ્યા છે. આ આતંકીઓની મદદ કરનારા સ્થાનિક નેટવર્કને ઝડપી પાડવાના પણ છે. 

જમ્મુમાં વ્યૂહાત્મક અભિયાનો વધારવાની જરૂર

જમ્મુમાં ગાઢ જંગલોના કારણે ગુપ્ત માહિતી એકત્ર કરવી અને વ્યુહાત્મક અભિયાનો વધારવાની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું કે, સૈન્યે ઈમરજન્સી પ્રક્રિયા હેઠળ ખરીદવામાં આવેલા 200થી વધુ બખ્તરબંધ સુરક્ષિત વાહનો સાથે જવાનોની વધુ ટુકડીને પહેલાંથી જ આ વિસ્તારમાં તૈનાત કરી દીધી છે.

ભારતીય સૈન્ય દ્વારા ચીનમાં બનેલા અત્યાધુનિક ઈકિવપમેન્ટ્સ જપ્ત 

દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યએ ચીનમાં બનેલા અત્યાધુનિક ઈકિવપમેન્ટ્સ જપ્ત કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે, આતંકીઓ પાસેથી ચીનના અત્યાધુનિક ટેલીકોમ ઈકિવપમેન્ટ્સ જપ્ત કરાયા છે. આ ઈક્વિપમેન્ટસનો ઉપયોગ પાકિસ્તાની સૈન્ય કરે છે, જે આતંકીઓના હાથમાં પહોંચી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે આ ચિંતાજનક બાબત છે.

પાકિસ્તાનમાં સૈન્ય તરફથી તાલીમ અને હથિયારો પૂરા પડાયા  

અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ- કાશ્મરમાંથી આતંકીઓ પાસેથી અત્યાધુનિક મોબાઈલ હેન્ડસેટ જપ્ત કરવામાં આવ્યા છે, જે સંકેત આપે છે કે આતંકી જૂથોને પાકિસ્તાનમાં સૈન્ય તરફથી તાલીમ, હથિયાર અને દારૂગોળો પૂરા પાડવામાં આવ્યા છે. 

ચીની કંપનીઓ તરફથી આ પ્રકારના વિશેષ હેન્ડસેટ પાકિસ્તાની સૈન્ય માટે તૈયાર કરવામાં આવે છે. જો કે, ગયા વર્ષે 17-18 જુલાઈએ જમ્મુના પૂંછ જિલ્લાના સુરનકોટમાં ગોળીબાર પછી આ ઈક્વિપમેન્ટ જપ્ત કરાયા હતા. 

એ જ રીતે આ વર્ષે 26 એપ્રિલે ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક એન્કાઉન્ટર પછી પણ આતંકીઓ પાસેથી ચીનના ઈક્વિપમેન્ટ મળી આવ્યા હતા. સુરનકોટમાં ચાર પાકિસ્તાની આતંકી માર્યા ગયા હતા ત્યારે ચાઈનીઝ ટેલિકોમ ઈક્વિપમેન્ટ અલ્ટ્રા સેટ હેન્ડસેટ મળી આવ્યો હતો. 

આ વિશેષ પ્રકારના સેલ- ફોનની ક્ષમતાઓને સ્પેશિયલ રેડિયો ઈક્વિપમેન્ટ સાથે જોડે છે, જે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ જેવી મોબાઈલ ટેક્નોલોજી પર નિર્ભર નથી હોતા.

અમરનાથ યાત્રા પહેલાં 40 પાકિસ્તાની આતંકીઓએ જમ્મુમાં ઘૂસણખોરી કર્યાના દાવાથી ખળભળાટ 2 - image


Google NewsGoogle News