'ઓપરેશન સિલ્ક્યારા'ના હીરો 'આર્નોલ્ડ ડિક્સ', 41 મજૂરોને બચાવવાના અભિયાનમાં ભજવી મુખ્ય ભૂમિકા
17 દિવસ સુધી ચાલેલા આ બચાવ અભિયાનની સફળતા આર્નોલ્ડ ડિક્સ વિના અધૂરી
તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત
uttarkashi Silkyara Tunnel news | ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. તેઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ 17 દિવસ સુધી ચાલેલા આ બચાવ અભિયાનની સફળતા આર્નોલ્ડ ડિક્સ વિના અધૂરી છે.
સૌથી મોટી ભૂમિકા ભજવી
ફસાયેલા કામદારોને ટનલમાંથી બહાર લાવનારા નિષ્ણાતોમાં આર્નોલ્ડની મોટી ભૂમિકા હતી. તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે. તે અંડરગ્રાઉન્ડ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે સલાહ આપવાની સાથે જ આ ક્ષેત્રના મોટા નિષ્ણાત મનાય છે.
કોણ છે આર્નોલ્ડ?
આર્નોલ્ડ જીનિવાના ઇન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિયેશનના વડા છે. આ કંપની અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કાયદાકીય, પર્યાવરણીય, રાજકીય અને અન્ય જોખમો અંગે સલાહ આપે છે. આર્નોલ્ડ એક એન્જિનિયર, વકીલ અને ભૂસ્તરશાસ્ત્રી પણ છે. આર્નોલ્ડ 20 નવેમ્બરના રોજ આ બચાવ કામગીરી સાથે જોડાયા હતા. આ પછી તેમણે કહ્યું કે તે ભારતની મદદ કરીને સારું અનુભવી રહ્યા છે. ડિક્સે કહ્યું કે પર્વતોએ આપણને એક વાત શીખવી છે કે નમ્રતા જાળવી રાખવી.
આર્નોલ્ડે કર્યો હતો આ દાવો
આર્નોલ્ડ ડિક્સ એ જ વ્યક્તિ છે જેણે દાવો કર્યો હતો કે ટનલમાં ફસાયેલા 41 કામદારોને ક્રિસમસ પહેલા બચાવી લેવામાં આવશે. આ પહેલા આર્નોલ્ડ ડિક્સે મંગળવારે સવારે 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની ઈચ્છા સાથે પૂજા કરી હતી. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે બાબા બોખનાગની પૂજા કરી હતી. બોખનાગ દેવતાનું મંદિર ટનલની બરાબર ઉપર બનેલું છે.
12 નવેમ્બરે ફસાયા હતા મજૂરો
આ અકસ્માત દિવાળીના દિવસે એટલે કે 12મી નવેમ્બરે થયો હતો. આ મજૂરો આ ટનલમાં કામ કરી રહ્યા હતા. ત્યારબાદ સુરંગ ધસી પડી અને આ મજૂરો કાટમાળની 60 મીટર લાંબી દિવાલ પાછળ ફસાઈ ગયા. ત્યારથી આ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.