પાકિસ્તાની મહિલા એજન્ટોની જાળમાં ફસાયેલા યુવકની ધરપકડ, મોકલતો હતો સેનાની ગુપ્ત માહિતી
રાજસ્થાન પોલીસની ગુપ્તચર ટીમે જાસૂસીના આરોપમાં આર્મી યુનિફોર્મ સ્ટોર સંચાલકની ધરપકડ કરી
આરોપીએ ગુપ્ત માહિતી મોકલવાના બદલામાં પાકિસ્તાનની મહિલાઓ પાસે નાણાંની પણ માંગ કર્યાનો ખુલાસો
Rajasthan Police : પાકિસ્તાનની ત્રણ મહિલાઓ એજન્ટોની જાળમાં ફસાયા બાદ ભારતીય સેના (Indian Army)ની ગુપ્ત માહિતી મોકલવાના જાસૂસીના આરોપમાં રાજસ્થાન પોલીસની ગુપ્તચર ટીમે આર્મી યુનિફોર્મ સ્ટોર (Army Uniform Store) સંચાલકની ધરપકડ કરી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર) સંજય અગ્રવાલે કહ્યું કે, આરોપી આનંદરાજ સિંહ (ઉ.વ.22) સેનાની ગુપ્ત માહિતી એકત્ર કરતો હતો અને તે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના આકાઓને શેર કરતો હતો.
યુવક ત્રણ પાકિસ્તાની મહિલાઓના સંપર્કમાં હતો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીનો રાજસ્થાનના સૂરતગઢ છાવણી બહાર આર્મી યુનિફોર્મનો સ્ટોર છે. રાજસ્થાન પોલીસ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (Pakistan Intelligence Agency)ની જાસૂસી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યું છે. ગુપ્તચર એજન્સીને સચોટ માહિતી મળી હતી કે, સૂરતગઢમાં છાવણી બહાર સેનાના યુનિફોર્મનો સ્ટોર ધરાવતો આનંદરાજ નામન યુવક પાકિસ્તાન ગુપ્તચર એજન્સીઓની ત્રણ મહિલાઓના સતત સંપર્કમાં છે અને તે સોશિયલ મીડિયાથી સેનાની ગુપ્ત માહિતી મહિલાઓે મોકલી રહ્યો છે.
ગુપ્ત માહિતી મોકલવા બદલ નાણાંની માંગ
અગ્રવાલે જણાવ્યું કે, આરોપી સેનાના પરિસર પાસે કામ કરતો હોવાથી ઘણા કર્મચારીઓના સંપર્કમાં હતો અને તેની પાસે સેનાની ઘણી ગુપ્ત માહિતી હતી. આનંદરાજે યુનિફોર્મ સ્ટોરનું કામ છોડ્યા બાદ બહરોડ ક્ષેત્રમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો. આ દરમિયાન તે પાકિસ્તાની મહિલાઓના સતત સંપર્કમાં હતો. આરોપીઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલવા નાણાંની પણ માંગ કરી હતી. હાલ આનંદરાજની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તમામ સુરક્ષા એજન્સીઓ તેની પુછપરછ કરી રહી છે.