રાજૌરી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરનો IED એક્સપર્ટ આતંકી કારી ઠાર મરાયો
ભારતીય સૈન્યના બે અધિકારીઓ સહિત કુલ 4 જવાનો પણ શહીદ
અત્યાર સુધી બે આતંકીઓ ઠાર મરાયા
Encounter in Rajouri | આતંકી સાથેની અથડામણમાં સુરક્ષાદળોને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે ત્યારે સવારે ફરીવાર એન્કાઉન્ટરની શરૂઆત કરતાં સુરક્ષાદળોએ વધુ એક ખૂંખાર આતંકીને ઠાર માર્યાનો દાવો કર્યો છે. આ આતંકીની ઓળખ કારી નામે થઈ છે. અગાઉ વધુ એક આતંકી ઠાર મરાયો હતો જેની ઓળખ હજુ જાહેર થઈ શકી નથી.
લશ્કરનો ટોચનો કમાન્ડર હતો
માહિતી અનુસાર કારી લશ્કર-એ-તોયબાનો ટોચનો કમાન્ડર અને આતંકી હતો. પાકિસ્તાનને રહેવાશી આતંકી કારીને લશ્કરના સરગનાઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકની નવી લહેર પેદા કરવા મોકલ્યો હોવાનો દાવો કરાયો છે. અત્યાર સુધી રાજૌરીના કાલાકોટના જંગલોમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે અધિકારીઓ સહિત 4 સૈનિકો શહીદ થઈ ગયા હતા. તે આઈઆઇડી બોમ્બ બનાવવાનો એક્સપર્ટ હતો. આ ઉપરાંત ગુફાઓમાં છુપાઈને લાંબા સમય સુધી આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં પણ માહેર હતો.
કારી એક ટ્રેઈન્ડ સ્નાઇપર હતો
જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ડિફેન્સ પીઆરઓએ કહ્યું કે કારી એક ટ્રેઈન્ડ સ્નાઈપર હતો. તેનાથી જ સમજી શકાય છે કે સુરક્ષાદળોએ કેટલાક મોટા આતંકીને ઠાર મારવામાં સફળતા મેળવી છે. તેણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હોવાનો ખુલાસો થયો છે. તે લશ્કર એ તોયબાના સિનિયર કમાન્ડરોમાં સામેલ હતો. તે ડાંગરી અને કાંડીમાં પણ થયેલા આતંકી હુમલાઓનો માસ્ટર માઇન્ડ હતો.