Get The App

દિવાળી ટાણે ટેન્શન, પાક. સરહદેથી 50થી વધુ આતંકી જમ્મુમાં ઘૂસણખોરીની ફિરાકમાં, સૈન્ય એલર્ટ

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
દિવાળી ટાણે ટેન્શન, પાક. સરહદેથી 50થી વધુ આતંકી જમ્મુમાં ઘૂસણખોરીની ફિરાકમાં, સૈન્ય એલર્ટ 1 - image


Jammu and Kashmir News | દેશભરમાં દિવાળીની ઉજવણીની તૈયારી ચાલી રહી છે એવામાં સૈન્યએ જણાવ્યું છે કે પાકિસ્તાન સરહદે 50થી વધુ આતંકીઓ જમ્મુ પ્રાંતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સૈન્ય કોઇ પણ  પ્રકારની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અખનૂર વિસ્તારમાં હુમલાખોર આતંકીઓના સફળતાપૂર્વક ખાતમા બાદ પત્રકારો સાથે વાતચીતમાં મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે કહ્યું હતું કે નાગરિકોને હાની પહોંચાડવા માટે આતંકીઓને સૈન્ય ખુલ્લી છુટ નહીં આપે. 

સોમવારે અખનૂર સેક્ટરમાં સૈન્યએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા જેના બીજા દિવસે મંગળવારે વધુ બે આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. સોમવારે સૈન્યના કાફલાની એમ્બ્યુલંસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જે બાદ સૈન્ય દ્વારા સમગ્ર અખનૂર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.  સૈન્યએ સૌથી પહેલા સમગ્ર વિસ્તારને ઘેરવા માટે બીએમપી-૨ વાહન તૈનાત કર્યા હતા. જ્યારે આતંકીઓને શોધવા માટે હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લેવામાં આવી હતી. ચારેય તરફથી આતંકીઓને ઘેરીને તેનો સફાયો કરવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે સપ્તાહમાં સાત આતંકી હુમલા થયા હતા જેમાં બે જવાનો શહીદ થયા હતા અને 11 અન્ય લોકોના મોત નિપજ્યા છે. તાજેતરમાં વધી પહેલા હુમલાને ધ્યાનમાં રાખીને સૈન્ય દ્વારા જે પણ વિસ્તારમાં હુમલો થયો ત્યાં મોટા પાયે ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. અખનૂરના હુમલા બાદ ત્યાં જ સૈન્યએ આતંકીઓને ઘેરવા માટે ચક્રવ્યૂહ તૈયાર કર્યું હતું જેમાં અંતે સફળતા મળી છે. બીજી તરફ શિયાળો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનું આગમન થવા લાગ્યું છે. ખાસ કરીને ઘાટીમાં મંગળવારે હળવી હિમવર્ષા થઇ હતી સાથે જ હવામાન વિભાગે સામાન્ય વરસાદની પણ આગાહી કરી હતી. શ્રીનગરનું તાપમાન લઘુતમ ૧૦ ડિગ્રી નોંધાયું હતું. હિમવર્ષા વધે તે પહેલા જ આતંકીઓ ઘૂસણખોરીની તૈયારીમાં છે. આ માહિતી સૈન્યના મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે આપી હતી. તેમણે કહ્યું હતું કે સરહદે આશરે ૫૦ જેટલા આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. જેને ધ્યાનમાં રાખીને સૈન્યને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

આતંકીઓના ગોળીબારમાં સૈન્યના સ્નિફર ડોગ ફેન્ટમનું મોત

શ્રીનગર : અખનૂર વિસ્તારમાં 24 કલાકથી સૈન્યનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં સૈન્યના જવાનોની સુરક્ષા કરી રહેલા એક શ્વાન ફેન્ટમનું આતંકીઓની ગોળી વાગતા મોત નિપજ્યું હતું. સૈન્યના ચાર વર્ષના સ્નિફર ડોગ ફેન્ટમનું આતંકીઓ સામેના ઓપરેશન દરમિયાન મોત નિપજ્યું હતું, ફેન્ટમ આતંકીઓએ છુપાવેલા હથિયારો શોધી કાઢવામાં નિષ્ણાંત હતો. ફેન્ટમને વર્ષ 2022થી જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવ્યો હતો. મંગળવારે અખનૂરના જંગલમાં જ્યારે ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે આતંકીઓએ આ શ્વાન પર ગોળીબાર કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. સૈન્યના જવાનો દ્વારા વિદાય આપવામાં આવી હતી.


Google NewsGoogle News