મધ્ય પ્રદેશમાં આર્મી જવાન સાથે મારપીટ, મહિલા મિત્ર સાથે ગેંગરેપ
- ભાજપ શાસિત રાજ્યમાં સૈન્યના જવાનો પણ સુરક્ષિત નહીં, છ હથિયારધારીઓ દ્વારા હુમલો કરાયો
ભોપાલ : ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં મારપીટ અને ગેંગરેપની વધુ એક જઘન્ય ઘટના બની છે. ઈન્દોર પાસે ભારતીય સૈન્યના બે જવાનો અને તેમની મહિલા મિત્રા સાથે મારપીટ કરવાની તથા મહિલા મિત્ર સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. મહો આર્મી કેન્ટોનમેન્ટથી ૩૦ કિ.મી દૂર આવેલા જામ ગેટ વિસ્તારમાં જંગલ અને અંધારાનો લાભ લઈને બે ટ્રેઈનિ અધિકારીઓ સાથે મારપીટ કરવામાં આવી અને તેમની મહિલા મિત્ર સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. આ મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં બે બદમાશોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાકીના ચાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે છ આરોપીઓની ઓળખ કરી લીધી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે આર્મીના બે ટ્રેઈની ઓફિસરો પોતાની મહિલા મિત્ર સાથે જામ ગેટ પાસે ફરવા નીકળ્યા હતા. અહીંયા અંધારાનો લાભ લઈને છ બદમાશો દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમાં એક જવાન અને મહિલા મિત્રને બંદી બનાવી લેવાયા જ્યારે બીજા જવાનને માર મારીને ૧૦ લાખની રોકડ ખંડણી તરીકે લઈ આવવા છોડી મુકવામાં આવ્યો. આ જવાન પોતાના કેન્ટોન્મેન્ટમાં પરત આવ્યો. તેણે પોતાના અધિકારીઓને વાત કરી અને પોલીસને પણજાણ કરવામાં આવી. પોલીસ દ્વારા આ મુદ્દે શોધખોળ અને તપાસ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક વિપક્ષો અને કેન્દ્રીય વિપક્ષો દ્વારા આ ઘટનાને મોટાપાયે વખોડવામાં આવી હતી. પીડિતોને ઝડપી ન્યાય મળે અને આવી ઘટનાઓમાં ઘટાડો થાય તેવી માગ કરવામાં આવી હતી.
બંદી બનાવેલા જવાનને ગંભીર ઈજા પહોંચી છે
પોલીસ અને સૈન્યના બીજા જવાનો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બદમાશો ભાગી ગયા હતા. બદમાશો પોલીસને આવતી જોઈને નાસી ગયા હતા. આ દરમિયાન તેમણે બંદી બનાવેલા જવાનને ખૂબ જ માર માર્યો હતો. તેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાકીદે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ બદમાશો મહિલા મિત્રને થોડેદૂર ઝાડીઓમાં લઈ ગયા હતા. ત્યાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરીને બે લોકોની ધરપકડ કરી છે.
ભારતીય ન્યાય સંહિતાની સાત કલમો હેઠળ ગુનો દાખલ
પકાડેલા ગુનેગારો અને ચાર ફરાર ગુનેગારો સામે ભારતીય ન્યાય સંહિતાની નવી કલમો લાગુ કરવામાં આવી છે. આ આરોપીઓ સામે લૂંટફાટ માટે કલમ૩૧૦-૨, જાણીજોઈને અન્યને નુકસાન પહોંચાડવા બદલ ૧૨૬-૨, ખંડણી વસુલવી, ડરાવી-ધમકાવીને સંપત્તિ, ધન, દસ્તાવેજો અને કિમતી વસ્તુઓ લુંટવા બદલ ૩૦૮-૨, મહિલા સાથે ગેંગરેપ બદલ ૭૦-૧, અશ્લીલ કૃત્ય અને અશ્લિલ ઈશારા કરવા બદલ ૨૯૬, મારપીટ કરવા બદલ ૧૧૫-૨ તથા ધમકી આપવા બદલ ૩૫૧-૨ કલમો લાગુ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોના મતે આ ગુનેગારોમાંથી એક ગુનેગાર સામે તો હત્યાનો કેસ પહેલેથી જ દાખલ છે. તેમ છતાં તે ફરાર છે અને આવા અપરાધો કરતો રહે છે. કાયદો અને વ્યવસ્થાનો તેને કોઈ ભય નથી.
જામ ગેટ પાસે જંગલમાં એક જવાન અને મહિલાને બંદી બનાવાયા જ્યારે બીજાને મારપીટ કરીને ૧૦ લાખની ખંડણી લાવવા છોડી દેવાયો
ઉત્તર પ્રદેશ બળાત્કારીઓનો ગઢ બની રહ્યો છે : વધુ એક નરાધમ ઘટના બની
ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ હવે બળાત્કારીઓનો ગઢ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
છેલ્લાં એક મહિનામાં અનેક બળાત્કાર, સામુહિક બળાત્કાર, બળાત્કાર બાદ હત્યાની ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જ બે ડાન્સરોને આઠ બદમાશો ઉપાડી ગયા હતા. તેમની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ બાદ આઠેય બદમાશોને પકડી પાડયા પણ મહિલાઓની સ્થિતિ ગંભીર છે. વારંવાર કરાયેલા ગેંગરેપના કારણે બંને મહિલાઓ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સિવાય થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશમાં જ રસ્તાની વચ્ચે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાનો નગ્ન મૃતદેહ રસ્તા વચ્ચે મળ્યો હતો અને તેની સાથે પણ બળાત્કાર કરાયા બાદ હત્યા કરાયાનું સામે આવ્યું હતું. આવી ઘટનાઓ બનવા છતાં કાયદો અને વ્યવસ્થા હજી ખસ્તા હાલ છે.