સોમવારે સંસદમાં 'વન નેશન વન ઈલેક્શન' બિલ રજૂ કરશે સરકાર, ચર્ચા માટે JPCમાં મોકલવાની તૈયારી
Image Source: Twitter
One Nation One Election Bill: કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે લોકસભામાં 'વન નેશન વન ઈલેક્શન' (one nation one election) બિલ રજૂ કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, આ બિલને ચર્ચા માટે JPC પાસે મોકલવામાં આવશે. લાંબી ચર્ચા અને સર્વસંમતિ માટે સરકાર આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલશે. JPC તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.
વિરોધમાં વિપક્ષ
દેશમાં હાલમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારી છે. જો કે, સરકારના આ પગલાનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી ઘણી I.N.D.I.A. બ્લોકની પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તારુઢ પાર્ટીને ફાયદો થશે. નીતિશ કુમારની JDU અને ચિરાગ પાસવાન જેવા પ્રમુખ NDA સહયોગીઓએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. 'વન નેશન વન ઈલેક્શન'ને વારંવાર ચૂંટણીઓ સાથે જોડાયેલી ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવી રહ્યું છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી અધ્યક્ષતા
'વન નેશન વન ઈલેક્શન' પર વિચારણા માટે બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ જણાવ્યું કે, આ પ્રસ્તાવને લઈને 32 રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું છે, જ્યારે 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી. રામનાથ કોવિંદે ઓક્ટોબરમાં 7મા લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન કહ્યું હતું કે, વિરોધ કરનારી 15 પાર્ટીઓમાંથી કેટલીક પાર્ટીઓએ 'વન નેશન વન ઈલેક્શન'ના વિચારનું સમર્થન કર્યું હતું.
આ પણ વાંચો: વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
'વન નેશન વન ઈલેક્શન' રિપોર્ટ કેવી રીતે થયો તૈયાર
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'વન નેશન વન ઈલેક્શન' સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ બાબતો જણાવી છે. તેમણે જણાવ્યું કે, આ રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે. 3 મહિના તો ઈન્વિટેશનમાં લાગી ગયા. ત્યારબાદ અમે ઈન્ટરેક્શન શરૂ કર્યું. 2 મહિના ડે ટૂ ડે બેસિસ પર ઈન્ટરેક્શન કર્યું. આ રિપોર્ટ 18 હજારથી વધુ પેજનો છે. મને જાણકારી આપવામાં આવી કે, આજ સુધી ભારત સરકારની કોઈ કમિટીએ આટલો મોટો રિપોર્ટ સબ્મિટ નથી કર્યો. આ અહેવાલ 21 વોલ્યૂમ્સમાં બનાવવામાં આવ્યો છે. આ માટે અમે લોકો પાસેથી સૂચનો માગ્યા હતા. આ માટે 16 ભાષાઓમાં 100થી વધુ જાહેરાતો આપવામાં આવી હતી. 21000 લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી ઠે. 80% લોકો તેના પક્ષમાં છે. આ સિવાય અમે પૂર્વ ચીફ ઈલેક્શન કમિશનરને પણ ફોન કર્યો હતો. ફિક્કી, આઈસીસી, બાર કાઉન્સિલના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા હતા.