શું ખરેખર જગન્નાથ મંદિરની રક્ષા કરી રહ્યા છે સાપ? દાયકાઓ બાદ રત્નભંડારના દ્વાર ખૂલતાં અંદર શું મળ્યું?

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
શું ખરેખર જગન્નાથ મંદિરની રક્ષા કરી રહ્યા છે સાપ? દાયકાઓ બાદ રત્નભંડારના દ્વાર ખૂલતાં અંદર શું મળ્યું? 1 - image


Jagannath Puri Temple: માત્ર ઓડિશામાં જ નહીં પરંતુ ભારતના લગભગ દરેક ભાગમાં એ કહાની સાંભળવા મળી છે કે, પુરીના જગન્નાથ મંદિરમાં રાખવામાં આવેલા રત્નોની રક્ષા મોટા-મોટા સાપ કરી રહ્યા છે. હવે જ્યારે રવિવારે 4 દાયકા કરતા વધુ સમય બાદ ફરી રત્નભંડારના દ્વાર ખૂલ્યાં તો આ મોટા રહસ્યો પરથી પણ પડદો ઉઠી ગયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે અંદર પ્રવેશનારા કોઈને પણ સાપ નજર ન આવ્યા. જોકે, વહીવટી તંત્ર તેના માટે તમામ તૈયારી પહેલાથી જ કરી ચૂક્યું હતું. 

 સરકારે 11 સભ્યોની એક સ્નેક હેલ્પલાઈન તૈયાર કરી લીધી હતી

પુરીના કલેક્ટર સિદ્ધાર્થ શંકરે કહ્યું કે, અમને કોઈ સાપ, જંતુ કે સરિસૃપ જીવ નથી મળ્યા. ખાસ વાત એ છે કે સાપ હોવાની શંકાના કારણે સરકારે 11 સભ્યોની એક સ્નેક હેલ્પલાઈન પહેલેથી જ તૈયાર કરી લીધી હતી. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યુનિટના ત્રણ સભ્યો રત્ન ભંડારની બહાર ઊભા હતા. આ સાથે જ પુરી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલને એન્ટિવેનોમનો સ્ટોક તૈયાર રાખવા માટે કહી દેવામાં આવ્યું હતું.

સ્નેક હેલ્પલાઈનના મહાસચિવ શુભેન્દુ મલિકે જણાવ્યું કે, રત્નભંડાર ખોલવામાં આવ્યો ત્યાં સુધી અમે સાધનો સાથે સંપૂર્ણ રીતે તૈયાર હતા. જોકે, કોઈ સાપ ન મળ્યા તેથી અમારી સેવાઓની જરૂર ન પડી. સરકાર દ્વારા રચવામાં આવેલી 16 સભ્યોની સમિતિના અધ્યક્ષ રિટાયર્ડ જસ્ટિસ વિશ્વનાથ રથે કહ્યું કે રત્નભંડાર ખોલવા પહેલા બેકારની હાઈપ તૈયાર કરવામાં આવી હતી.

રત્નભંડાર ખોલ્યા બાદ અમે સુરક્ષિત છીએ

તેમણે કહ્યું કે, એવી અફવા ફેલાવવામાં આવી હતી કે જે લોકો રત્નભંડાર ખોલશે તેમને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. અમે બધા રત્નભંડાર ખોલ્યા બાદ સુરક્ષિત છીએ. હાલ પુરી મંદિરની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સરકારે મંદિરની આસપાસ રાજ્ય અને કેન્દ્રીય દળોને પણ કડક સુરક્ષા માટે તેહનાત કર્યા છે. RAF એટલે કે રેપિડ એક્શન ફોર્સના ઓછામાં ઓછા 85 જવાનોએ મંદિરની બહાર સુરક્ષા સંભાળી છે. જ્યારે રાજ્ય પોલીસની 5 પ્લાટુન મંદિરની અંદર છે.

રત્નભંડાર ખોલવાની પ્રક્રિયા સવારે લગભગ 10:00 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. ભગવાન લોકનાથને રત્નભંડારના રક્ષક માનવામાં આવે છે અને લોકનાથ મંદિરમાં આજ્ઞા માળા થયા બાદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.


Google NewsGoogle News