જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને વધુ એક ઝટકો, રૂ.10 કરોડની ખંડણીના કેસમાં CBI કરશે તપાસ
Extortion Case In Delhi: ગૃહ મંત્રાલયે મુખ્ય મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી 10 કરોડ રૂપિયાની કથિત ખંડણીના કેસમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે સીબીઆઈ તપાસને મંજૂરી આપી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ફેબ્રુઆરી મહિનામાં ગૃહ મંત્રાલયને આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. સુકેશ ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈન પર તિહાર જેલમાં હતા ત્યારે પ્રોટેક્શન મની તરીકે તેમની પાસેથી 10 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો.
સીબીઆઈ તપાસની મંજૂરી
સીબીઆઈ તપાસને મંજૂરી આપતાં વિનય કુમાર સક્સેનાએ આ મામલો જરૂરી કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો હતો. નવમી ફેબ્રુઆરીએ વિનય કુમાર સક્સેનાએ તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ અને તત્કાલીન તિહાર જેલના અધિક્ષક રાજ કુમાર સામે સીબીઆઈ તપાસને પણ મંજૂરી આપી હતી.
જાણો શું છે મામલો
કરોડો રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં રહેલા સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે જેલમાં સત્યેન્દ્ર જૈનની પોતાની સરકાર ચાલે છે. આ સાથે સીબીઆઈએ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને પૂર્વ જેલ અધિક્ષક રાજ કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરવા માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મંજૂરી પણ માંગી હતી.
સત્યેન્દ્ર જૈન એક વર્ષથી તિહાર જેલમાં બંધ
દિલ્હી સરકારના બે પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન લગભગ એક વર્ષથી તિહાર જેલમાં બંધ છે. તત્કાલીન જેલ સુપ્રિટેન્ડેન્ટ રાજ કુમાર પર દિલ્હી સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનના કહેવા પર છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી 10 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ કુમાર તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈન અને સંદીપ ગોયલ દ્વારા ચલાવવામાં આવતી ખંડણી સિન્ડિકેટનો ભાગ હતો.