NEET રદ ન કરવા ગુજરાતના 50થી વધુ વિદ્યાર્થીઓની સુપ્રીમકોર્ટમાં અરજી, તેમાં ઘણાં તો પ્રથમ રેન્ક મેળવનારા
અરજીમાં પેપર લીકમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ અને લોકોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહીની માગ
સંઘની સંસ્થા વિદ્યા ભારતીની પેપર લીક અટકાવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની હાલની પેટર્ન બદલવા માગ
NEET Controversy | ગુજરાતમાં નીટ-યુજીમાં સફળતા પ્રાપ્ત કરનારા 50થી વધુ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પરીક્ષા રદ ન કરવાની માગ કરી છે. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.
અરજકર્તાઓએ માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને પરીક્ષા રદ ન કરવાના નિર્દેશ જારી કરે.
આ ઉપરાંત આ વિદ્યાર્થીઓએ માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને નિર્દેશ જારી કરી જણાવે કે તે એવા વિદ્યાર્થીઓ અને લોકોની ઓળખ કરે કે જે પાંચ મેના રોજ યોજાયેલી નીટની પરીક્ષાનં પેપર લીક કરવામાં સંડોવાયેલા છે.
વિદ્યાર્થીઓએ આવા વિદ્યાર્થીઓ અને લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં 56 વિદ્યાર્થીઓની અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ)ની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠ 26 અરજીઓ પર સુનાવણી કરવાની છે જેમાં અનિયમિતતાને કારણે પરીક્ષાની તપાસ કરાવવા અને તેને ફરીથી લેવાની માગ કરવામાં આવી છે.
આ દરમિયાન નીટ-યુજી પેપર લીક વિવાદની વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલ વિદ્યા ભારતીએ પરીક્ષાઓના પેપર લીક થતાં ે રોકવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વર્તમાન પેટર્નમાં ફેરફાર કરવાની માગ કરી છે.
વિદ્યા ભારતીએ કોચિંગ સંસ્થાઓ પર વિદ્યાર્થીઓની વધતી નિર્ભરતા ઘટાડવા માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વર્તમાન પેટર્નમાં ફેરફાર કરવાની માગ કરી છે.
પત્રકાર પરિષદમાં પત્રકારોએ પૂછેલા પ્રશ્રોના જવાબ આપતા વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાનના ડી રામકૃષ્ણા રાવે નીટ-યુજી પેપર લીક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.