Get The App

તુષ્ટિકરણનું રાજકારણ દેશની એકતા અને વિકાસ સામે અવરોધ : મોદી

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
તુષ્ટિકરણનું રાજકારણ દેશની એકતા અને વિકાસ સામે અવરોધ : મોદી 1 - image


- સરદાર પટેલ જન્મ જયંતીએ કેવડિયામાં રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી

- તુષ્ટિકરણની રાજનીતિ કરનારાને માનવતાના દુશ્મનો સાથે ઊભા રહેવામાં  સંકોચ થતો નથી : દેશની એક પાર્ટી એવી છે, જેને પોઝિટિવ રાજનીતિ નથી કરવી

રાજપીપળા : દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી પ્રસંગે આજે કેવડિયા - એકતાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે કહ્યું હતું કે દેશની એકતા અને વિકાસની યાત્રાના રસ્તામાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણની રાજનીતિ છે. 

તેમણે કહ્યું હતું કે જે લોકો દેશની એકતા પર હુમલો કરે છે તેને દેશવાસીઓ ઓળખે, સમજે અને સતર્ક રહે. તુષ્ટિકરણ કરનાર લોકો આંતકવાદની ગંભીરતા ક્યારેય  સમજતા નથી. તુષ્ટિકરણ કરનારાને માનવતાના દુશ્મનો સાથે ઉભા રહેતા સંકોચ પણ થતો નથી. દેશ વિરોધી તત્વો સામે કડાકાઇથી પગલા લેવાતા નથી. આંતકીઓને બચાવવા અદાલત સુધી પહોંચી જાય છે. આવી વિચારસરણીથી દેશનું ભલુ નહી થાય. એકતાને જોખમમાં મૂકનારા લોકોથી દેશવાસીઓ સાવધાન રહે. આવનાર સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે, દેશમાં એક રાજકીય પાર્ટી એવી છે, જેમને પોઝિટિવ રાજનીતિ કરવી નથી. તેઓ તેમના સ્વાર્થ માટે દેશની એકતા ખંડિત કરવામાં પાછી પાની કરતા નથી. દેશની જનતા દેશની એકતાને ખંડિત કરનારા લોકોને ઓળખવા તેમણે અપીલ કરી હતી. વડાપ્રધાનને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આજે લઘુ ભારતનું સ્વરૂપ દેખાઇ રહ્યુ છે.  જેમ ૧૫ અગષ્ટે આપણી સ્વતંત્રતા અને ૨૬ જાન્યુઆરીએ આપણા ગણતંત્રનો જયઘોષ છે તે રીતે ૩૧ ઓક્ટોબરનો આ દિવસ દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રીયતાના સંચારનો પર્વ બની ગયો છે. આવનાર ૨૫ વર્ષ ભારત માટે સૌથી અગત્યના વર્ષ હોવાનું જણાવી આ ૨૫ વર્ષમાં ભારતને સમૃદ્ધ અને વિકસીત બનાવવાનું લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. 

આજે કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં ૧૭ રાજયોના ૨૫૦ થી વધુ એનસીસી કેડેટ્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતાં. જ્યારે પરેડમાં અર્ધ લશ્કરી દળના જવાનોની ટુકડી સાથે ૫ રાજ્યોની પોલીસ જોડાઇ હતી. 

એકતા પરેડની વૈવિધ્યતાએ આકર્ષણ જમાવ્યું

સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પૂષ્પવર્ષા કરી ભાવસભર અંજલિ અપાઈ હતી. એકતા પરેડની આગેવાની ૨૦૨૦ની બેચના આઈપીએસ કોરૂકાંડા સિદ્ધાર્થે લીધી હતી. પરેડમાં મહિલા સીઆરપીએફ બાઈકર્સ યશસ્વિની દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઈપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી પ્રોગ્રામ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, જી - ૨૦ સમિટ,  ચંદ્રયાન પ્રોજેક્ટની સફળતા, ઈન્ડિયન એરફોર્સના સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ફ્લાય પાસ્ટ, ગુજરાત સહિત આસામ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશના પોલીસ દળનું માર્ચપાસ્ટ, સરહદી રાજ્યોના સરહદી ગામોની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન અને દેશના વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય આપતી સાંસ્કૃતિક કૃતિઓ વગેરેનો સમાવેશ કરાયો હતો. 

૯૮મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થીઓને વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા

દર વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર મહિના દરમિયાન સૌથી અઘરી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરતા યુવા સિવિલ સર્વન્ટ્સ મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એકેડેમી) ખાતે આયોજિત ફાઉન્ડેશન કોર્સમાં જોડાય છે. આરંભ નામના કોમન ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત વડાપ્રધાને આરંભ ૫.૦ના અંતે ૯૮મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરી અભિનંદન આપ્યા હતા. 'મૈં નહીં હમ'ની ભાવના સાથે ૯૮મા કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની ૧૬ સિવિલ સર્વિસીસ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના ૫૬૦ ઓફિસર તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.


Google NewsGoogle News