અનુષ્કા શંકર અને પેટાએ ત્રિશૂરના મંદિરને 800 કિલોના યાંત્રિક હાથીનું દાન કર્યું
- ત્રિચૂરના કોમ્બારા શ્રીકૃષ્ણ સ્વામી મંદિરમાં હાથીનો ઉપયોગ બંધ કર્યો
- કોમ્બારા કન્નન જેવા મિકેનિકલ હાથીઓને મંદિરોમાં વાપરી અસલી હાથીને જંગલોમાં મુક્ત જીવન જીવવામાં સહાય કરી શકીએ
ત્રિચૂર : કેરળના ત્રિચૂરમાં આવેલાં કોમ્બારા શ્રીકૃષ્ણ સ્વામી મંદિરે તેમના કોઇપણ ધાર્મિક કાર્યમાં અસલી હાથીઓના ઉપયોગ કરવાનું બંધ કરવાનો નિર્ણય લેતાં આ નિર્ણયને વધાવી લેતાં સિતારવાદક અનુષ્કા શંકરે પેટા ઇન્ડિયાની સાથે મળી આ મંદિરને બુધવારે આઠ મીટર લાંબા અને ૮૦૦ કિલોના વજનના યાંત્રિક હાથીનું દાન કર્યું હતું. આ હાથીનું નામ કોમ્બારા કન્નન પાડવામાં આવ્યું છે.
કોમ્બારા કન્નન શ્રીકૃષ્ણ સ્વામી મંદિરમુક્ત ના વહીવટીતંત્રએ તેના કોઇપણ કાર્યમાં અસલી હાથી ન ખરીદવાનો કે ભાડે ન લેવાનો નિર્ણય લીધો તેના પગલે પેટા ઇન્ડિયાએ આ નિર્ણયને વધાવી લઇ મંદિરને એક મિકેનિકલ હાથી દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
પૈડાં પર ચાલતાં આ કોમ્બારા કન્નન હાથીને એક સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ હાથીનું અનાવરણ ઉન્નાયી વરિયાર મેમોરિયલ કલાનિલયમના સેક્રેટરી સતીશ વિમલને કર્યું હતું. પેટાની વેબસાઇટમાં અનુષ્કાશંકરના નિવેદનમાં જણાવ્યું ેછે કે આ હાથી દાનમાં આપવા હું ઉત્સાહિત છું. કોમ્બારા કન્નનને ભક્તો અને તેમાં પણ બાળકોના દિલને ખુશ કરી દીધું છે કેમ કે તે મંદિરની જરૂરિયાત અનુસાર કામ કરી શકે છે. કોમ્બારા કન્નન જેવા મિકેનિકલ હાથીઓ ને મંદિરોમાં તહેનાત કરીને આપણે અસલી હાથીઓને તેમના મૂળ નિવાસ જંગલોમાં તેમના પરિવાર સાથે જીવન જીવવામાં સહાય કરી શકીએ છીએ. સિતારવાદક અનુષ્કાશંકરને થોડા સમય અગાઉ લોસ એન્જેલસમાં યોજાયેલાં ગ્રેમી એવોર્ડ માટે બે કેટેગરીઓમાં નોમિનેશન મળ્યું હતું.
હાથી બુદ્ધિશાળી, સક્રિય અને મિલનસાર પ્રાણી છે. તેને મારપીટ કરીને હથિયારો દ્વારા ટ્રેઇન કરી સરઘસમાં પ્રદર્શિત કરવામાં આવે છે.મંદિરો અને અન્ય સ્થળોએ બંદી બનાવવામાં આવતાં હાથીઓને સાંકળોથી બાંધી રાખવાને કારણે તેમના પગની હાલત બગડી જાય છે. મોટાભાગના હાથીઓને ભોજન-પાણી અને કુદરતી આવાસ ન મળતાં હોઇ નિરાશ થયેલાં હાથીઓ ઘણીવાર માણસો પર હુમલા કરી બેસે છે. હેરિટેજ એનિમલ ટાસ્ક ફોર્સના આંકડાઓ અનુસાર કેરળમાં ૧૫ વર્ષમાં કેદમાં બંધ હાથીઓના હુમલાઓને કારણે ૫૨૬ લોકોએ જીવ ગુમાવવા પડયા છે.