રાહુલજી '0' ચેક કરી લો...: લોકસભામાં અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Anurag Thakur took a dig at Rahul Gandhi : હાલમાં સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સંસદમાં રાહુલ ગાંધીનું નામ લઈને પેમ્ફલેટ દેખાડતા કહ્યું હતું કે, 'રાહુલજી શૂન્ય ચેક કરી લો.' અનુરાગ ઠાકુરે સંસદમાં જે પેમ્ફલેટ દેખાડ્યું હતું તેમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય કર છે તેવું લખ્યું હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'હજુ એક શૂન્ય છે. આ કોંગ્રેસની બેઠકો વિશે નથી. મેં રાહુલ ગાંધીને શૂન્ય ગણવા વિશે કહ્યું છે.'
શું કહ્યું અનુરાગ ઠાકુરે?
અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, 'હું તમારી સામે પૂછવા માંગું છું કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને કેટલી બેઠકો આપી હતી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય), વર્ષ 2019માં લોકસભામાં કોંગ્રેસને કેટલી બેઠકો મળી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય), વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં કેટલી બેઠકો મળી શૂન્ય, વર્ષ 2024માં લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો મળી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય), વર્ષ 2025માં વિધાનસભામાં કેટલી બેઠકો મળી શૂન્ય, જો આ શૂન્ય બનાવવાનો રૅકોર્ડ કોઈએ બનાવ્યો છે તો એ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે બનાવ્યો છે.'
અગાઉ પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું
અહીં તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આપણે છેલ્લા પાંચ દાયકાથી ગરીબી નાબૂદીના માત્ર નારા સાંભળ્યા છે. પરંતુ અમે ગરીબોને માત્ર નારા નથી આપ્યા, અમે તેમને સાચો વિકાસ આપ્યો છે. અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જ્યારે જમીન સાથે જોડાયેલા લોકો જમીનની વાસ્તવિકતા જાણીને જમીન પર પોતાનું જીવન વિતાવે છે, ત્યારે જમીન પર પરિવર્તન નિશ્ચિત બને છે.'
દરેક વ્યક્તિ આ સમજી શકતી નથી! - પીએમ મોદી
વધુમાં મોદીએ કહ્યું હતું કે, 'ગરીબોનું દુઃખ, સામાન્ય માણસની મુશ્કેલીઓ, મધ્યમ વર્ગના સપનાઓને એમ જ સમજી શકાતા નથી, તેના માટે જુસ્સાની જરૂર છે. દુઃખની વાત છે કે કેટલાક લોકો પાસે તે નથી. વરસાદની ઋતુમાં પ્લાસ્ટિકની ચાદર અને છાપરા નીચે રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. ક્યારેક ક્યારેક સપનાઓ ચકનાચૂર થઈ જાય છે. દરેક વ્યક્તિ આ સમજી શકતી નથી.'