NDAના દિગ્ગજ નેતાએ યુપીમાં હાર માટે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ગંભીરતા જ નથી
Anupriya Patel Jibe on UP Government: લોકસભા ચૂંટણી 2024માં યુપીમાં ભાજપ તેમજ NDAને મોટો ફટકો પડ્યો હતો, ત્યારબાદથી NDAના જ વિવિધ નેતાઓ ભાજપ વિરૂદ્ધ અસંતોષ વ્યક્ત કરતાં જોવા મળ્યા હતા. હવે NDAના વધુ એક દિગ્ગજ નેતા અનુપ્રિયા પટેલે યુપીમાં નુકસાન મુદ્દે ભાજપની યોગી સરકાર વિરૂદ્ધ સવાલ ઉઠાવ્યા છે. NDAના સહયોગી અપના દળ (સોનેલાલ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મોદી સરકારમાં મંત્રી અનુપ્રિયા પટેલે એક ઇન્ટરવ્યુ દરમિયાન યોગી સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતા.
શિક્ષકોની ભરતી વિવાદ અંગે કર્યા પ્રહાર
ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં યોગી સરકાર પર આકરાં પ્રહાર કરતાં અનુપ્રિયા પટેલે કહ્યું કે, 69 હજાર શિક્ષકોની ભરતીને લઇને અનામતના મુદ્દે યોગી સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી ન કરવામાં આવી હતી, જેના લીધી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટું નુકસાન થયું હતું. 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે 69 હજાર શિક્ષકોની ભરતીનો મુદ્દો કેન્દ્રિય નેતૃત્વ સામે ઉઠાવ્યો હતો અને ત્યારે કેન્દ્રિય નેતૃત્વના દખલ બાદ SC,ST અને OBC વર્ગ માટે 6800 સીટોનો વધારો કરવામાં આવ્યું હતું, પરંતુ પછી આ મુદ્દો કોર્ટમાં અટવાઇ ગયો હતો.
યોગી સરકાર ગંભીર ન દેખાઇ
અનુપ્રિયા પટેલે કહ્યું કે, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ યોગી આદિત્યનાથ સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા ગંભીરતાથી કામ કર્યું નહોતું જ્યારે આ સમસ્યાનું તાત્કાલિક ઉકેલ લાવવાની જવાબદારી સરકારની હતી. આ મુદ્દે પાછલા 2 વર્ષોથી સતત આંદોલન ચાલી રહ્યું છે. જેનો લાભ વિપક્ષે ઉઠાવી લોકસભા ચૂંટણીમાં મોટી સફળતા મેળવી હતી.
બંધારણ મુદ્દે ચલાવેવા નેરેટિવથી થયું નુકસાન
અનુપ્રિયા પટેલે તાજેતરમાં કહ્યું હતું કે, તેમને ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શનું અહેસાસ થઇ ચુક્યું હતું અને તેમણે આ બાબતે ભાજપ નેતૃત્ત્વને આગાહી પણ આપી હતી, પરંતુ પાર્ટીએ મારી ચેતાવણી પર યોગ્ય ધ્યાન આપ્યું ન હતું. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષી પક્ષોએ બંધારણ અંગે નકલી નેરેટિવ ચલાવ્યું હતું કે જો એનડીએ ગઠબધંનને 400થી વધુ બેઠકો મળી તો તેમના આગેવાનીવાળી સરકાર બંધારણને બદલી દેશે અને અનામત પણ બંધ કરી દેશે. વિપક્ષના આ દાવની લોકસભા ચૂંટણીમાં ભારે અસર જોવા મળી હતી.