સિંગાપોર-હોંગકોંગમાં ભારતીય મસાલા પર પ્રતિબંધ નથી, રાજ્યસભામાં કેન્દ્રની સ્પષ્ટતા
Indian Spices: સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા પર પ્રતિબંધને લઈને કેન્દ્ર સરકારની સ્થિતિ અનેક વખત સ્પષ્ટ કરી છે. ત્યારે ફરી એકવાર સરકારે રાજ્યસભામાં આ મામલે પ્રતિક્રિયા આપી છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું કે, 'સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.'
સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે શું કહ્યું?
રાજ્યસભામાં આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, 'ભારતમાંથી નિકાસ કરાયેલા કેટલાક મસાલામાં હોંગકોંગ અને સિંગાપોરમાં સ્વીકાર્ય મર્યાદા કરતાં વધુ ઈથિલિન ઓક્સાઈડ (ETO)ની હાજરી મળી હતી. જો કે આ મુદ્દો ઉત્પાદન વખતની અમુક બેચ પૂરતો મર્યાદિત હતો. આ બંને દેશમાં ચોક્કસ ગાળામાં ઉત્પાદન કરાયેલા મસાલાની બેચને એક મહિના માટે રોકીને પરીક્ષણ હેઠળ રખાયા હતા, પરંતુ તેના પર પ્રતિબંધ ન હતો. ત્યાર પછી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાહેઠળના સ્પાઈસિસ બોર્ડે આયાત કરનારા દેશની વ્યક્તિગત ETO મર્યાદાને પહોંચી વળવા માટે ઘણાં પગલાં લીધા છે. તેમાં નિકાસ કરવા માટેના મસાલાનું ફરજિયાત પ્રી-શિપમેન્ટ પરીક્ષણ અને કાચા માલની ખરીદી, પેકિંગ, સંગ્રહ અને પરિવહન માટે નિકાસકારો દ્વારા અનુસરવામાં આવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.'
આ પણ વાંચો: બાંગ્લાદેશ હિંદુઓની સુરક્ષાની જવાબદારી લે, સ્થિતિ પર અમારી ચાંપતી નજર; સંસદમાં વિદેશ મંત્રી જયશંકર
ઇથિલિન ઓક્સાઇડ શું છે?
ઉલ્લેખનીય છે કે, સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ અહેવાલો સામે આવ્યા હતા. આ દેશોએ ભારતીય મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ હોવાનું જણાવ્યું હતું. ઇથિલિન ઓક્સાઇડ એ રંગહીન ગેસ છે. રૂમ ટેમ્પરેચરમાં રખાતા તેમાંથી એક મીઠી ગંધ આવે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI) અનુસાર, આ ગેસનો ઉપયોગ ઇથિલિન ગ્લાયકોલ (એન્ટિ-ફ્રીઝ) જેવા રસાયણો બનાવવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કાપડ, ડીટરજન્ટ, ફોમ, દવાઓ, એડહેસિવ અને સોલવન્ટ બનાવવામાં પણ થાય છે.