ભાજપ સહયોગીએ યોગી સરકારનો ખુલ્લેઆમ વિરોધ કર્યો, કહ્યું- 'તાત્કાલિક આ બિલ પાછું ખેંચો અને...'
Image : Twitter (File pic) |
Anupriya Patel: ભાજપના સહયોગી અપના દળ( સોનોલાલ) ના અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી અનુપ્રિયા પટેલે યુપી સરકારના નઝુલ જમીન સંબંધિત બિલ સામે બાંયો ચઢાવતાં તેને તાત્કાલિક ધોરણે પાછું ખેંચી લેવાની માગ કરી હતી. અનુપ્રિયા પટેલે તેમના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે યોગી સરકાર આ બિલ ઉતાવળે લાવી છે અને એટલા માટે જ તેને તાત્કાલિક પાછું ખેંચે. સાથે જ આ મામલે જે અધિકારીઓએ ગેરમાર્ગે દોર્યા છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.
આ લોકોની ભાવનાથી વિપરિત બિલ : ભાજપ સહયોગી
યોગી સરકારમાં ભાજપના સહયોગી પક્ષના લીડર અનુપ્રિયા પટેલે કહ્યું કે નઝુલ જમીન સંબંધિત બિલ ચર્ચા વિચારણાં માટે વિધાન પરિષદની સમિતિને મોકલાયું છે. વ્યાપક ચર્ચા વિચારણાં વગર જ લાવવામાં આવેલું આ નઝુલ જમીન સંબંધિત બિલ એકદમ બિનજરૂરી છે અને મારા મતે તો તે લોકોની ભાવનાથી વિરુદ્ધ છે.
વિધાન પરિષદમાં જ અટવાયું બિલ
ઉલ્લેખનીય છે કે વિધાનસભામાંથી પસાર થયા બાદ ઉત્તરપ્રદેશ નઝુલ સંપત્તિ બિલ વિધાન પરિષદમાં અટવાઈ ગયું હતું અને સત્તા પક્ષના પ્રસ્તાવ બાદ તેને સમિતિ સમક્ષ મોકલાયું હતું. પરિષદમાં ગુરુવારે લંચ બાદ ગૃહના નેતા ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ બિલ રજૂ કર્યું હતું પણ ભાજપના સભ્ય અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભુપેન્દ્ર સિંહ ચૌધરીએ તેને સમિતિને મોકલી દેવા પ્રસ્તાવ રજૂ કર્યો.