Get The App

દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત 1 - image


RSS and BJP News | કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારતનો વિકાસ થાય અને તે પ્રગતિ કરે. આ કારણે જ આવા તત્વો દેશની પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. પરંતુ આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયે પણ આવી જ પરિસ્થિતિ હતી, પરંતુ ધર્મની શક્તિનો ઉપયોગ કરીને તેમનો સામનો કરવામાં આવ્યો હતો તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાવગતે કહ્યું હતું.

સંઘના વડા મોહન ભાગવતે લેખક ડૉ. મિલિંદ પરાડકર દ્વારા લિખિત 'તંજાવરચે મરાઠે' નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, ધર્મનો અર્થ માત્ર પૂજા, અનુષ્ઠાન નથી. પરંતુ તેની વ્યાપક અવધારણા છે, જેમાં સત્ય, કરુણા, તપશ્ચર્યા, સમર્પણનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે, હિન્દુ શબ્દ એક વિશેષણ છે, જે વિવિધતાઓને સ્વીકાર કરવાનું પ્રતીક છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે ભારત એક ઉદ્દેશ્ય માટે કામ કરે છે અને તેનું અસ્તિત્વ 'વસુધૈવ કુટુંબકમ'ના વિચારને આગળ વધારવા માટે છે. 

ભૂતકાળમાં ભારત પર મોટાપાયે બહારના આક્રમણ થયા હતા, તેથી લોકો સાવધ હતા, પરંતુ હવે વિવિધરૂપે આક્રમણો થઈ રહ્યા છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાડકા અને પૂતનાની વાત કરતા કહ્યું, રામાયણમાં એક રાક્ષસી તાડકાએ આક્રમણ કર્યું તો ખૂબ જ અરાજક્તા ફેલાઈ ગઈ હતી અને તે રામ તથા લક્ષ્મણના માત્ર એક તીરથી જ મારી ગઈ હતી. પરંતુ મહાભારતના સમયમાં પૂતના રાક્ષસી ભગવાન કૃષ્ણને મારવા માટે માસીનું રૂપ લઈને આવી હતી અને કૃષ્ણને સ્તનપાન કરાવ્યું હતું, પરંતુ તે બાળ કૃષ્ણ હતા, જેમણે તેને મારી નાંખી હતી.

આરએસએસ વડાએ કહ્યું, આજની સ્થિતિ પણ એવી જ છે. આક્રમણ થઈ રહ્યા છે અને તે દરેક પ્રકારે વિનાશકારી છે. આર્થિક હોય કે ધાર્મિક કે રાજકીય દરેક પ્રકારના આક્રમણ વિનાશક છે. કેટલાક તત્વો ભારતના વિકાસના માર્ગમાં અવરોધો પેદા કરી રહ્યા છે અને વૈશ્વિક મંચ પર તેના ઉદયથી ભય ફેલાયેલો છે, પરંતુ તેઓ સફળ નહીં થાય.

તેમણે ઉમેર્યું કે, જે લોકોને ડર છે કે ભારતના મોટાપાયે વિકાસથી તેમનો કારોબાર બંધ થઈ જશે એવા તત્વ દેશના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરવા માટે તેમની બધી જ તાકતનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ જીવનને પ્રભાવિત કરતી જીવન શક્તિ નામનું પરીબળ ભારતને વ્યાખ્યાઈત કરે છે. આ જીવન શક્તિ આપણા રાષ્ટ્રનો આધાર છે અને તે ધર્મ પર આધારિત છે, જે હંમેશા રહેશે. ધર્મ સૃષ્ટિની શરૂઆતમાં હતો અને અંત સુધી તેની જરૂર રહેશે.


Google NewsGoogle News