સંભલમાં હિન્દુઓના પલાયન બાદ 1978થી બંધ વધુ એક મંદિર મળ્યું
- 46 વર્ષે હનુમાનજી-શિવના મંદિરના દ્વાર ખોલાતા શ્રદ્ધાળુએ પુજાપાઠ કર્યા
- 1978ની હિંસા બાદ આ વિસ્તારમાંથી 30 હિન્દુ પરિવારે પલાયન કર્યું હતું, ઘટનાની જૂની ફાઇલો ખોલાઇ
સંભલ : ઉત્તર પ્રદેશના હિંસાગ્રસ્ત સંભલમાં તાજેતરમાં હનુમાનજી અને શિવની મૂર્તિઓ સાથે એક ૪૬ વર્ષથી બંધ મંદિરને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જ્યારે આ જ વિસ્તારમાં વધુ એક વર્ષોથી બંધ રાધા-કૃષ્ણ મંદિર મળી આવ્યું છે. જેથી તેને ખોલવાની કામગીરી શરૂ કરાઇ છે, સ્થાનિક હિન્દુ સમુદાયનો દાવો છે કે આ મંદિરના દરવાજે લગાવાયેલા તાળાની ચાવી તેમની પાસે છે.
પ્રાથમિક અહેવાલોમાં દાવો કરાઇ રહ્યો છે કે ૧૯૭૮માં સંભલમાં હિંસા થઇ ત્યારે આ મંદિરને બંધ કરીને હિન્દુઓ વિસ્તાર ખાલી કરીને જતા રહ્યા હતા. ત્યારથી આ હાલમાં મળી આવેલુ મંદિર બંધ હાલતમાં છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ૧૯૭૮માં કોમી હિંસા થઇ તે બાદ આ વિસ્તારમાંથી આશરે ૨૫થી ૩૦ હિન્દુ પરિવારે પલાયણ કર્યું હતું. સ્થાનિક રહેવાસી ૮૨ વર્ષના વિષ્ણુ શરણ રસ્તોગીએ કહ્યું હતું કે વર્ષો પહેલા રમખાણો બાદ અમારે આ મંદિરને છોડવુ પડયું હતું, ત્યારથી મંદિર બંધ હાલતમાં છે જોકે કોઇએ તેના પર કબજો નથી કર્યો. હવે ફરી આ મંદિર ખોલાઇ રહ્યું છે તે જાણીને આનંદ થયો.
આ વિસ્તારમાં આશરે ૧૯ જેટલા કુવા હોવાની શંકા છે, હાલમાં મંદિરમાંથી બે કુવા મળી આવ્યા છે જ્યારે અન્ય કુવાની શોધખોળ ચાલી રહી છે. સંભલ મુદ્દે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત નિવેદનો આપી રહ્યા છે. સ્થાનિક પોલીસ પ્રશાસન પણ તપાસ કરી રહ્યું છે. વધુ એક મંદિર મુસ્લિમ બહુમત સરાયતરીન પુરમાંથી મળી આવ્યું છે. મંદિરમાં રાધા કૃષ્ણની સુંદર મૂર્તિઓ મળી આવી છે. અહીંયા કોઇ પણ પ્રકારનું દબાણ નથી કરાયું. અગાઉ આ જ વિસ્તારમાં વધુ એક હનુમાનજી અને શિવનું મંદિર મળી આવ્યું હતું. સપ્તાહમાં પોલીસને આ વિસ્તારમાં બીજુ બંધ પડેલુ મંદિર મળી આવ્યું છે. જેના દ્વાર ખોલીને સાફ સફાઇ કરાઇ હતી, હાલમાં અહીંયા હિન્દુઓ દ્વારા હનુમાનજીની પુજા કરવામાં આવી રહી છે. મંદિરની આસપાસ થયેલા ગેરકાયદે બાંધકામને હટાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ૧૯૭૮માં સંભલમાં હિંસા થઇ હતી જેમાં અનેક લોકો માર્યા ગયા હતા, આ રમખાણોની ફાઇલો યોગી સરકાર ફરી ખોલી રહી છે.