રાજસ્થાન: કોટામાં વધુ એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, 10 દિવસમાં ત્રીજી ઘટના
Image Source: Twitter
જયપુર, તા. 02 ફેબ્રુઆરી 2024 શુક્રવાર
કોટામાં વધુ એક વિદ્યાર્થીએ સુસાઈડ કરી લીધુ છે. રાજસ્થાનનું કોચિંગ હબ કહેવાતુ કોટા આ વર્ષે પણ સ્ટુડન્ટ સુસાઈડને લઈને ચિંતાનો વિષય બની ગયુ છે. રાજ્ય સરકાર અને તંત્રના ઘણા પ્રયત્નો છતાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ ચાલુ છે. છેલ્લા 10 દિવસમાં કોટામાં ત્રણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. શુક્રવારે કોટામાં બીટેકની તૈયારી કરી રહેલા નૂર મોહમ્મદે આત્મહત્યા કરી લીધી.
27 વર્ષીય વિદ્યાર્થી નૂર મોહમ્મદ મૈનુદ્દીન ઉત્તર પ્રદેશના 503-કે વીરપુર કટરુ ગોંડાનો રહેવાસી હતો. બીટેકની તૈયારી માટે કોટાના વિજ્ઞાન નગરમાં પીજીમાં રહેતો હતો. રિપોર્ટ અનુસાર વિદ્યાર્થી છેલ્લા ચાર વર્ષથી કોટામાં જ હતો. શુક્રવારે પોતાના રૂમમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી. પોલીસે વિદ્યાર્થીના પરિવારને ઘટનાની જાણકારી આપી દીધી છે. પરિવાર આવ્યા બાદ મૃતક વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. હજુ આત્મહત્યાનું કારણ સામે આવ્યુ નથી અને કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. વિદ્યાર્થીના નજીકના વ્યક્તિઓ અને મિત્રો પાસેથી જાણકારી લેવામાં આવી રહી છે.
છેલ્લા 10 દિવસમાં ત્રીજા વિદ્યાર્થીની આત્મહત્યા
ગયા વર્ષે કોટામાં 29 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ સુસાઈડ કર્યું હતુ અને 2024ની શરૂઆતમાં પણ આ રોકાવાનું નામ લઈ રહ્યુ નથી. છેલ્લા 10 દિવસમાં 3 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આમાં બે વિદ્યાર્થી ઉત્તર પ્રદેશ અને એક વિદ્યાર્થિની રાજસ્થાનના ઝાલાવાડની જ રહેવાસી હતી. જે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી તેની 2 દિવસ બાદ જ JEE Mains ની પરીક્ષા હતી. વિદ્યાર્થિનીના રૂમમાંથી સુસાઈડ નોટ પણ મળી છે જેમાં તેણે પોતાના માતા-પિતા પાસે આ માટે માફી માંગી છે.
સ્ટુડન્ટ્સનો તણાવ ઓછો કરવાનો પ્રયત્ન નિષ્ફળ
કોચિંગ સેન્ટરોના ઉચ્ચ દબાણ વાળા શૈક્ષણિક માહોલમાં વિદ્યાર્થીઓની સામે આવતા માનસિક સ્વાસ્થ્યના મુદ્દાથી છુટકારો મેળવવા માટે અધિકારી દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે કોફી વિથ સ્ટુડન્ટ્સની પહેલ શરૂ કરી છે. કોચિંગ સંચાલકો, પીજી માલિકો, મેસવાળા-ડબ્બાવાળાની સાથે ઘણી બેઠક થઈ છે. તેમને તે વિદ્યાર્થી પર નજર રાખવા માટે કહેવામાં આવ્યુ છે કે જેમનામાં તણાવના લક્ષણ નજર આવે છે. તેમ છતાં આ ઘટનાઓ તમામ પ્રયત્નોને નિષ્ફળ સાબિત કરી રહી છે.
કોચિંગ સંસ્થાઓ માટે તાજેતરમાં જ આવ્યા છે દિશા-નિર્દેશ
કોટામાં સતત વિદ્યાર્થીઓની આત્મહત્યા બાદ શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં કોચિંગ સંસ્થાઓ માટે નવા દિશા-નિર્દેશ જારી કર્યા હતા. આ દિશા-નિર્દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓને હવે કોચિંગ સંસ્થાઓમાં એડમિશન ન આપવા અને સારા નંબર કે રેન્ક અપાવવાની ગેરંટી જેવા ભ્રામક વાયદા ન કરવાની સૂચના આપવામાં આવી છે.