ભારતના આ રાજ્યમાં ફેલાઈ વધુ એક ગંભીર બીમારી, અત્યાર સુધી 5000થી વધુ કેસ, ચાર જિલ્લામાં એલર્ટ
Image: Freepik
Hepatitis A: કેરળમાં હેપેટાઈટિસ એ વાયરસ ખૂબ કહેર વરતાવી રહ્યો છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં કેરળમાં હેપેટાઈટિસ એ ના 1977 કેસ સામે આવ્યા છે. 12 લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય પ્રદેશમાં 5536થી વધુ શંકાસ્પદ કેસ પણ સામે આવ્યા છે. જોકે તેની પુષ્ટિ તંત્ર તરફથી કરવામાં આવી નથી. આ તમામ દર્દી તે છે જે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ગયા નથી.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે હેપેટાઈટિસ એ ના પ્રકોપને જોતા કોઝિકોડ, મલપ્પુરમ, ત્રિશુર અને એર્નાકુલમમાં એલર્ટ જારી કર્યું છે. આ જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. તમામ જિલ્લાના જાહેર જળાશયોમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે. આ સિવાય રેસ્ટોરન્ટમાં પણ ઉકાળેલું પાણી જ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર પ્રદેશમાં આ વર્ષે છેલ્લા 7 વર્ષની તુલનામાં સર્વાધિક મામલા નોંધાયા છે. હેપેટાઈટિસ એ ના નિષ્ણાત એનએમ અરુણે જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં રાજ્યમાં પાણીની ગુણવત્તામાં ખૂબ ઘટાડો આવ્યો છે. જાણકારી અનુસાર હેપેટાઈટિસ એ સંક્રમિત વ્યક્તિઓના મળથી ફેલાતો રોગ છે. ઘણા સ્થળો પર પાઈપલાઈનોના લીકેજના કારણે આ મળ શુદ્ધ જળના સંપર્કમાં આવી જાય છે. ઉનાળામાં પાણીના અનિયમિત પુરવઠાના કારણે આ સ્થિતિ વધુ ખતરનાક થઈ જાય છે.
તંત્રની ભૂલના કારણે હેપેટાઈટિસ એ ફેલાઈ રહ્યો છે
જાણકારી અનુસાર સૌથી વધુ કેસ એર્નાકુલમ જિલ્લાના વેંગૂર પંચાયતથી સામે આવ્યા છે. ત્યાં 17 એપ્રિલ બાદથી અત્યાર સુધી 200 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 41 લોકો ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. એક યુવકનું મોત નીપજ્યું છે. વધુ જાણકારી આપતા શિલ્પા સુધીશે જણાવ્યું કે મહામારી રાજ્ય જળ સત્તા મંડળ દ્વારા પુરવઠામાં આવેલા દુષિત પાણીના કારણે હેપેટાઈટિસ એ જેવી બીમારી ફેલાઈ છે. તેમણે જણાવ્યું કે પાણીમાં ક્લોરીન નાખવામાં આવ્યુ નહોતું.