જમ્મુ-કાશ્મીરમાં વધુ એક રાજકીય પાર્ટી અસ્તિત્વમાં આવી, આગામી સ્થાનિક ચૂંટણી લડવાનું એલાન કર્યું
Image: Freepik
New Political Party in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં વધુ એક કટ્ટરપંથી રાજકીય દળની રચના થઈ ગઈ છે. તેનું નામ જસ્ટિસ ફોર ડેવલપમેન્ટ ફ્રન્ટ રાખવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં જમાત-એ-ઈસ્લામીના સમર્થનથી લડીને ચૂંટણી હારનાર ઉમેદવારોએ મળીને આ રાજકીય દળની રચના કરી છે. આ લોકોનું કહેવું છે કે તે આગામી સ્થાનિક અને પંચાયતની ચૂંટણીમાં ભાગ લેશે. કુલગામના ચવલગામમાં આ રાજકીય દળનો પહેલો કાર્યક્રમ થયો જેમાં હાજર નેતાઓએ જણાવ્યું કે તેમણે ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. તેમને સ્કેલનું સિમ્બોલ પણ મળી ગયું છે. આ સિવાય તેમણે ટૂંક સમયમાં જ શ્રીનગરમાં એક મોટો કાર્યક્રમ કરવાની પણ વાત કહી છે. આ રાજકીય દળ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી તત્વોને રાજકીય પ્રતિનિધિત્વ આપી શકે છે. આ પહેલા રાશિદ એન્જિનિયર જેવા કટ્ટરપંથી નેતાને લોકસભા ચૂંટણીમાં જીત મળી ચૂકી છે.
પાર્ટીથી જોડાયેલા લોકોનું કહેવું છે કે અમે પંચાયત ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાર્યક્રમને સંબોધિત કરતાં તેમનું કહેવું હતું કે અમે નક્કર પરિવર્તન ઈચ્છીએ છીએ જે લાંબા સમય સુધી રહે. આ માટે અમે રાજકીય દળ બનાવીને જમીની સ્તરે કામ કરવાનો પ્રયત્ન કરીશું. અમે તે ક્રાંતિ કરીશું, જે સ્થાયી રહે. ઉતાવળમાં ઉઠાવવામાં આવેલા પગલાથી આવેલા પરિવર્તન પણ ઝડપથી જ પૂરા થઈ જાય છે.
આ પણ વાંચો: નીતિશ CM બનશે કે નહીં એ અમારું સંસદીય બોર્ડ નક્કી કરશે, ચૂંટણી પહેલા ભાજપ નેતાનું નિવેદન
જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ છે. તેના સમર્થનવાળા અમુક ઉમેદવારોએ અપક્ષ જ ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતાં. હવે આ લોકોએ પોતાનો અલગ રાજકીય દળ બનાવવાનો નિર્ણય લીધો છે. હવે આ લોકોનું કહેવું છે કે જમાત-એ-ઈસ્લામીનું અમને સમર્થન છે, પરંતુ અપક્ષ ચૂંટણી જીતવી મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં હવે અમે લોકો નવું દળ જ બનાવી રહ્યાં છીએ. 2019 બાદથી જ જમાત-એ-ઈસ્લામી પર સરકારનો કબ્જો છે.
છેલ્લા અમુક વર્ષોમાં જમાતની કરોડો રૂપિયાની સંપત્તિને સીઝ કરવામાં આવી છે. આ સિવાય તેના કટ્ટરપંથી વિચારક કહેવાતાં સૈયદ અબ્દુલ અલા મૌદૂદીની લખેલા પુસ્તકોને પણ જપ્ત કરવામાં આવી છે. હવે તેની સાથે જોડાયેલા લોકો જ અલગ રસ્તો શોધી રહ્યાં છે. દરમિયાન નવા રાજકીય દળમાં કટ્ટરપંથી વિચારધારા વાળા લોકોનો એક જમાવડો હોઈ શકે છે.