Get The App

ઈસરોની સફળતામાં વધુ એક છોગું : આદિત્ય-એલ1ના સૂર્યને નમસ્કાર

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
ઈસરોની સફળતામાં વધુ એક છોગું : આદિત્ય-એલ1ના સૂર્યને નમસ્કાર 1 - image


- નવા વર્ષે એક જ સપ્તાહમાં ઇસરોને બીજી સફળતા : અવકાશયાન પાંચ મહિને લાગ્રાન્ગ પોઈન્ટ-1 પર પહોંચ્યું

- આદિત્ય-એલ1 સૂર્યનાં અકળ રહસ્યો ખોલશે, સ્પેસ વેધરની રિયલ ટાઈમ માહિતી આપશે અને સૂર્યનો અભ્યાસ કરશે

- આદિત્ય -એલ1 પાંચ વર્ષ અને બે મહિના કામ કરશે  24 કલાકમાં સૂરજની 1,440 તસવીરો મોકલશે

બેંગલુરુ/મુંબઇ : ઈસરોનું અવકાશયાન આદિત્ય-એલ૧ શનિવારે સાંજે લાગ્રાન્ગ પોઈન્ટ પર પહોંચવાની સાથે નવા વર્ષ ૨૦૨૪ના પહેલા સપ્તાહમાં જ ભારતે અવકાશની દુનિયામાં બીજી સફળતા મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે શનિવારે સાંજે  બરાબર ૪ : ૧૭ મિનિટે  અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારત અને  ઇસરોનું નામ સોનેરી અક્ષરે લખાઇ ગયું છે.  સૂર્યના અભ્યાસ માટેનું અવકાશયાન આદિત્ય - એલ૧ આજે પૃથ્વીથી ૧૫ લાખ કિ.મી.ના  અંતરે લાગ્રાન્ગ પોઇન્ટ-૧ના સ્થાને સલામતીપૂર્વક પહોંચી ગયું છે. હવે આદિત્ય-એલ૧માં લગાવાયેલા સાત પેલોડ્સ સૂર્યના  રહસ્યો ખોલશે તેમજ સૌર ગતિવિધિઓની રિયલ ટાઈમ માહિતી પૂરી પાડશે. 

આદિત્ય -એલ ૧ અવકાશયાન ૨૦૨૩ની ૨, સપ્ટેમ્બરે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ(પીએસએલવી)- સી ૫૭ ની મદદથી અંતરિક્ષમાં તરતું  મૂકાયું હતું.અવકાશયાન  લગભગ પાંચ મહિના એટલે કે ૧૨૭ દિવસમાં પૃથ્વીથી એલ-૧ પોઇન્ટ પહોંચ્યું છે. આ સાથે ઈસરોને સૌથી જટીલ અવકાશ અભિયાનોમાંથી એકમાં સફળતા મળી છે. ઇસરોએ આજે સાંજે  ૪.૧૭ કલાકે આદિત્ય -એલ ૧ અવકાશયાનને એલ ૧ પોઇન્ટના સ્થાન પર પહોંચાડવા માટે  તેના રોકેટને  સતત ૧૨૦ સેકન્ડ્ઝ સુધી અંતિમ  ફાયર કર્યું હતું. ઇસરોના  આ સફળ પ્રયોગથી આદિત્ય -એલ ૧ અવકાશયાને લાગ્રાન્ગ પોઇન્ટ-૧ના વિસ્તારમાં સરળતાથી અને  પહેલા જ   પ્રયાસે સફળ  પ્રવેશ કર્યો  છે. આદિત્ય-એલ૧ પાંચ વર્ષ અને બે મહિના કામ કરશે, જેમાં ૧૨૭ દિવસ પસાર થઈ ગયા છે. 

ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે એવી માહિતી  આપી હતી કે રોકેટ ફાયર કરવાનો હેતુ એ હતો કે અવકાશયાન એલ૧ પોઇન્ટ કરતાં આગળ  ન જતું રહે અને ત્યાં જ સ્થિર રહે. લાગ્રાન્ગ ૧ પોઇન્ટ સૂર્યની બરાબર સામે હોવાથી આદિત્ય -એલ ૧ હાઇડ્રોજન  અને હિલિયમના આ વિરાટ ગોળામાં થતી અકળ અને ભારે તોફાની ગતિવિધિ પર સતત નજર રાખી શકશે. આ યાનની મદદથી આદિત્યનારાયણના સંશોધનાત્મક અભ્યાસ માટેના આપણા જે હેતુ છે તેની સચોટ અને ઉપયોગી માહિતી મળશે.   

આદિત્ય-એલ૧માં સાત સાયન્ટિફિક પેલોડ્સ લગાવાયા છે, જે ઈસરો અને નેશનલ રિસર્ચ લેબોરેટરીઝે ડિઝાઈન કર્યા છે. તેની મદદથી આદિત્ય-એલ૧ સૂર્યના ત્રણ હિસ્સા -ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, કોરોના(સૂરજની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે)નો ગહન અભ્યાસ કરશે. વધુમાં સૂર્યની વિરાટ થાળીનું તાપમાન ૬,૦૦૦ ડિગ્રી કેલ્વિન(કોઇપણ તારાના તાપમાન માટે કેલ્વિન શબ્દ વપરાય છે) છે જ્યારે તેની બાહ્ય કિનારી એટલે કે કોરોનાનું તાપમાન  ૨૦ લાખ કેલ્વિન જેટલું અતિઅતિ ઉકળતું હોય છે.સૂરજની  સપાટી અને તેની કિનારીના તાપમાન વચ્ચે આટલો બધો અને આટલો મોટો તફાવત કયાં ચોક્કસ પરિબળોને કારણે હોય છે તેના રહસ્ય વિશે વિશ્વના ખગોળશાસ્ત્રીઓ ઘણાં વરસોથી સંશોધન કરી રહ્યા છે. હવે ભારતનું આદિત્ય -એલ ૧ સૂર્યનું આ રહસ્ય શોધવા પ્રયાસ કરશે.

જોકે આ અત્યંત ગહન બાબતને સમજવા અમે વિઝિબલ એમીશન  લાઇન કોરોનાગ્રાફ(વીઇએલસી)નામનું આધુનિક ટેકનોલોજીવાળું વૈજ્ઞાનિક ઉપકરણ બનાવ્યું છે. સૂર્યમાં થતી અકળ અને ભયાનક  ગતિવિધિની અસર પૃથ્વીના વાતાવરણમાં  કેવી અને કેટલી અસર(જેને સ્પેસ વેધર  કહેવાય છે) થાય છે તેનો અમે અભ્યાસ કરવા ઇચ્છીએ છીએ. છેલ્લા ઘણા દિવસથી સૂર્યમાંથી ફેંકાતી ભારે વિનાશક સૌર જ્વાળાઓની પ્રચંડ થપાટથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગરના પ્રદેશમાં રેડિયો બ્લેકઆઉટની ચિંતાજનક ઘટનાઓ બની છે.  સાથોસાથ સૌર જ્વાળામાંનાં ભારે વિનાશક કિરણોત્સર્ગ(રેડિયેશન)ને કારણે પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં પણ ભારે ખળભળાટ સર્જાય છે.

વીઇએલસી ઉપકરણની મદદથી હવે સૂર્યમાંથી ફેંકાતી મહાવિનાશક સૌર જ્વાળાઓનો પ્રકાર, તેની ક્ષમતા, સૂર્યમાંના ચોક્કસ કયા હિસ્સામાંથી બહાર ફેંઇ અને પૃથ્વી સુધી ચોક્કસ કયા સમયે પહોંચશે વગેરેની સચોટ આગાહી પણ થઇ શકશે. સ્પેસ વેધરની સચોટ આગાહીથી ભારત સરકાર  અને ઇસરો જરૂરી સલામતી વ્યવસ્થા કરી શકશે.

 આદિત્ય -એલ૧નું અત્યાધુનિક ટેકનોલોજીવાળું  વીઇએલસી ઉપકરણ દૈનિક સૂર્યની ૧,૪૪૦ તસવીરો પૃથ્વી પર મોકલશે. આમ, એક મિનિટે સૂર્યની એક ઇમેજ મળશે. ઇસરોના વિજ્ઞાનીઓ સૂરજની આ તમામ ઇમેજીસનો ગહન અભ્યાસ કરીને સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિ વિશે પાયારૂપ જાણકારી મેળવશે.

સોલાર ક્વેક્સનો અભ્યાસ થવો જરૂરી

આપણી મિલ્કી વેમાંના તારાનો-અન્ય ગેલેક્સીઝનો પણ અભ્યાસ થઇ શકશે

ઈસરોનું અવકાશ યાન આદિત્ય-એલ૧ લાગ્રાન્ગ પોઈન્ટ-૧ પર પહોંચી ગયું છે. સૂર્ય પૃથ્વીથી સૌથી નજીકનો તારો હોવાથી આ અવકાશ યાનની મદદથી સૂર્યના સંશોધન અને અભ્યાસના આધારે આપણે આપણી મિલ્કી વેના કરોડો તારા અને અનંત બ્રહ્માંડની અન્ય આકાશ ગંગાઓ વિશે ગહન અભ્યાસ કરી શકાશે. 

ઇન્ડિયન  ઇન્સ્ટિટયયુટ ઓફ  એસ્ટ્રોફિઝિક્સ(આઇઆઇએ)નાં સિનિયર વિજ્ઞાની ડો.આર.આર.રમેશે  કહ્યુ હતું કે સૂર્યનો સંશોધનાત્મક અભ્યાસ ખરેખર બહુ પડકારરૂપ  કામગીરી હોય છે. આદિત્ય-એલ ૧  દ્વારા સોલાર ક્વેક્સ(સૂર્યમાં થતાં ભયાનક તોફાન-જેને ખગોળશાસ્ત્રની ભાષામાં કોરોનલ માસ ઇજેક્શન-સીએમઇ- કહેવાય છે)નો અભ્યાસ થશે.  પૃથ્વી પર થતા ભૂકંપને અર્થ ક્વેકસ, ચંદ્ર પર થતા ભૂકંપને મૂન ક્વેક્સ, મંગળ પર થતા ભૂકંપને માર્સ ક્વેક્સ કહેવાય તેમ સૂર્યના વાયુના વિરાટ  ગોળામાં થતા ભયાનક તોફાનને સોલાર ક્વેક્સ કહેવાય છે. સીએમઇની ભયંકર પ્રક્રિયા દરમિયાન આખા અંતરિક્ષમાં વિદ્યુતભારવાહી પદાર્થ કણો ફેંકાય.આવાં સીએમઇ આપણી પૃથ્વી ભણી પણ ફેંકાઇ શકે અને આપણો સંદેશા વ્યવહાર, વીજળી પ્રવાહ લઇ જતી લાઇન્સ, ટેલિવિઝન, આકાશમાં ઘૂમતા સેટેલાઇટ્સ વગેરેને વેરવિખેર કરી નાખે. ભારે મોટી તબાહી સર્જાઈ શકે.

લાગ્રાન્ગ પોઈન્ટ શું છે

લાગ્રાન્ગ પોઇન્ટ -૧ પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટરના  અંતરે છે. આ પોઇન્ટ પર સૂર્ય અને પૃથ્વી બંનેના ગુરુત્વાકર્ષણ બળ સમાન થઇ જાય છે. ૧૭મી સદીમાં ઇટાલીયન -અમેરિકન ગણિતશાસ્ત્રી --ખગોળશાસ્ત્રી જોસેફ લાગ્રાન્ગે અંતરિક્ષમાં આવા કુલ પાંચ પોઇન્ટ્સ(એલ -૧,એલ-૨,એલ-૩,એલ-૪,એલ-૫)નું સંશોધન કર્યું હોવાથી આ પોઇન્ટ્સને લાગ્રાન્ગ પોઇન્ટસ કહેવામાં આવે છે.


Google NewsGoogle News