હરિયાણામાં ભાજપની 21 ઉમેદવારોની બીજી યાદી, વિનેશ સામે કેપ્ટન બૈરાગી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં ભાજપની 21 ઉમેદવારોની બીજી યાદી, વિનેશ સામે કેપ્ટન બૈરાગી 1 - image


- હરિયાણામાં ભાજપ, કોંગ્રેસ, આપ, અન્ય પક્ષોનો ચતુષ્કોણિય જંગ

- હરિયાણામાં 'આપ'એ વધુ નવ ઉમેદવારો જાહેર કર્યા, ભાજપ - કોંગ્રેસના બળવાખોરોને ટિકિટ

ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ નહીં થતા હવે ચતુષ્કોણીય જંગ જોવા મળશે. ભાજપે મંગળવારે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડૌલી સહિત અનેક ધારાસભ્યોના પત્તાં કપાયા છે. બીજીબાજુ આમ આદમી પાર્ટીએ પણ વધુ નવ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જ્યારે કોંગ્રેસમાં વિનેશ ફોગાટને ટિકિટ અપાતા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે અને તેમણે એઆઈસીસીની ઓફિસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિનેશ ફોગાટને ટિકિટ અપાતા કોંગ્રેસમાં જ હોબાળો, એઆઈસીસીની ઓફિસ બહાર કાર્યકરોનો સૂત્રોચ્ચાર

હરિયાણામાં શાસક પક્ષ ભાજપે ૨૧ ઉમેદવારોની બીજી યાદીમાં બડખલથી શિક્ષણ મંત્રી સીમા ત્રિખા અને બવાલથી જનસ્વાસ્થ્ય મંત્રી ડૉ. બનવારી લાલની ટિકિટો કપાઈ છે. ભાજપે બડખલમાં ધનેશ અદલખા અને બાવાલમાં ડૉ. કૃષ્ણ કુમારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય ભાજપે પેહોવા બેઠક પર ઉમેદવાર બદલ્યા હતા. ભાજપે હજુ મહેન્દ્રગઢ, એનઆઈટી ફરિદાબાદ અને સિરસા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપે બીજી યાદીમાં છ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. વધુમાં જુલાના બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટ સામે ભાજપે કેપ્ટન યોગેશ બૈરાગીને ટિકિટ આપી છે. ભાજપે આ પહેલાં ૯૦ બેઠકોની વિધાનસભામાં ૬૭ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. ભાજપના મુખ્યમંત્રી નવાબ સૈનિએ મંગળવારે લાડવા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ સાથે મંગળવારે કુલ ૧૨૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ ૨૭૭ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

દરમિયાન આમ આદમી પાર્ટીએ સોમવારે ૨૦ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના બીજા જ દિવસે વધુ નવ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આપે ભાજપમાંથી સોમવારે રાજીનામું આપી પક્ષમાં જોડાનારા પૂર્વ મંત્રી છતરપાલ સિંહને બરવાળાથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હરિયાણામાં કોંગ્રેસ સાથે જોડાણ ના થતાં આપ ભાજપ અને કોંગ્રેસના બળવાખોરોને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી અટકળો થઈ રહી છે.

બીજીબાજુ કોંગ્રેસે જુલાના બેઠક પર પહેલવાન વિનેશ ફોગાટને ટિકિટ આપતા પક્ષની અંદરથી જ વિરોધ થવા લાગ્યો છે. આ જ કારણે આ બેઠક પર ટિકિટ માટેના અનેક ઉમેદવારોએ વિનેશ ફોગાટ માટે આયોજિત કાર્યક્રમથી અંતર જાળવ્યું છે. વધુમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિની ઓફિસ બહાર પણ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. હરિયાણામાં ૫ ઑક્ટોબરે મતદાન અને ૮ ઑક્ટોબરે મતગણતરી થશે.


Google NewsGoogle News