દિલ્હીમાં વધુ એક કંઝાવાલા જેવી ઘટના, કાર લૂટ્યા બાદ ડ્રાઈવરને 200 મીટર ઢસડ્યો, થયું મોત

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં વધુ એક કંઝાવાલા જેવી ઘટના, કાર લૂટ્યા બાદ ડ્રાઈવરને 200 મીટર ઢસડ્યો, થયું મોત 1 - image


- પોલીસ અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીઓની તલાશ કરી રહી છે

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર 2023, બુધવાર

Delhi Crime : દિલ્હીમાં ફરી એક વખત કંઝાવાલા જેવી ઘટના બની છે. દિલ્હીમાં મોત બનીને દોડી રહેલી કારે રસ્તા પર યુવકને 200 મીટર સુધી ઢસડ્યો હતો. આ હેવાનિયત બાદ યુવકનું મોત થઈ ગયુ છે. આ ઘટના દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં બની હોવાની માહિતી મળી રહી છે. મૃતક વ્યક્તિનું નામ બિજેન્દ્ર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 43 વર્ષીય બિજેન્દ્ર પટેલ વ્યવસાયે એક ટેક્સી ડ્રાઈવર હતા. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાત્રીના સમયે કેટલાક લૂંટેરાઓએ બિજેન્દ્ર પરથી તેની કાર લૂંટી લીધી હતી. બિજેન્દ્રએ પોતાની સાથે થયેલી લૂંટનો વિરોધ કર્યો. કાર લૂટ્યા બાદ જ્યારે ગુનેગારો ત્યાંથી ભાગવા લાગ્યા તો તેમનો વિરોધ કરતા બિજેન્દ્ર પોતાની કાર પર લટકી ગયા પરંતુ ગુનેગારોએ કાર ન રોકી અને લગભગ 200 મીટર સુધી તેમને ઢસડીને લઈ ગયા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બિજેન્દ્ર કાર સાથે લટકી ગયા છે અને ગુનેગારો રસ્તા પર તેમને ઢસડી રહ્યા છે. 

આ ઘટના સમયે રસ્તા પર અન્ય કારો પણ નજર આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમાંથી કોઈકે આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટેક્સી ડ્રાઈવરના મોત બાદ હવે પોલીસે આ મામલે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. બિજેન્દ્ર ફરીદાબાદના રહેવાસી હતા. ગંભીર વાત એ છે કે, જે સમયે બિજેન્દ્ર સાથે આ હેવાનિયત થઈ રહી હતી તે સમયે રસ્તા પર અન્ય કારો પણ હતી પરંતુ કોઈએ પણ બિજેન્દ્રની મદદ ન કરી. 

હરિયાણા નંબરની હતી કાર

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 11:00 વાગ્યે બની હતી. પોલીસને માહિતી મળી હતી કે એનએચ 8 સર્વિસ રોડ પર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. જે બાદ વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે કારમાં ટેક્સી ડ્રાઈવર બિજેન્દ્રને ઢસેડવામાં આવ્યો હતો તે કાર હરિયાણા નંબરની છે. આ કાંડે ફરી એક વખત દિલ્હીના ગુનેગારોનો નિર્દય ચહેરો ખુલ્લો પાડ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હેવાનિયતના  તમામ આરોપીઓ ફરાર છે. પોલીસ અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આરોપીઓની તલાશ કરી રહી છે.

શું હતો કંઝાવાલા કાંડ

31 ડિસેમ્બરની રાત્રે દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં અંજલી નામની યુવતીની સ્કૂટીનું એક્સિડન્ટ થઈ ગયુ હતું. અંજલીની સ્કૂટી જે કાર સાથે અથડાઈ હતી તે કાર નીચે જ અંજલી ફસાઈ ગઈ હતી. ત્યારબાદ કાર ચાલક અંજલીને ઘણા કિલોમીટર સુધી રસ્તા પર ઢસેડતા રહ્યા. રસ્તા પર ઢસેડાવાના કારણે અંજલીને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થઈગયુ હતું.


Google NewsGoogle News