ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, પૂણેથી 5 મોટા નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપ જોડાઈ પણ ગયા
Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેને ફરી એક ઝટકો લાગ્યો છે. બુધવારે (પહેલી જાન્યુઆરી) શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઘણા પૂર્વ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. ખાસ વાત એ છે કે પક્ષપલટો એવા સમયે થયો છે જ્યારે મુંબઈમાં BMC એટલે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જો કે હજુ ચૂંટણીની જાહેર કરવામાં આવી નથી.
પાંચ પૂર્વ કાઉન્સિલરો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા
પૂણેના પાંચ પૂર્વ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. જેમાં વિશાલ ધનાવડે, બાલા ઓસવાલ, સંગીતા થોસાર, પલ્લવી જવાલે અને પ્રાચી અલ્હતના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે આ તમામ પીએમસીમાં ઘણી વખત પદ સંભાળી ચુક્યા છે.
આ પણ વાંચો: બંગાળમાં બાંગ્લાદેશની ઘૂસણખોર મહિલા સરપંચ બની હોવાનો આરોપ
બાલા ઓસવાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'મેં પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે અને મારો નિર્ણય અંતિમ છે. હું જાણું છું કે આનાથી શિવસૈનિકોને નુકસાન થશે, પરંતુ મેં હંમેશા તેમની સાથે અંગત સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. મારો નિર્ણય મારા રાજકીય ભવિષ્યના હિતમાં છે.' નોંધનીય છે કે, બાલા ઓસવાલનું પાર્ટી છોડવું શિવસેના (ઉદ્ધવ જૂથ) માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
કસ્બા પેઠ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા વિશાલ ધનાવડે જણાવ્યું હતું કે, 'મજબૂત આધાર હોવા છતાં રાજ્ય કે શહેર સ્તરે પાર્ટીને મજબૂત કરવામાં કોઈને રસ નથી. પાર્ટીને લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી નથી. પૂણે શહેરમાં પાર્ટી જાણે સમર્થન વિનાની હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં પૂણેમાં પાર્ટીની પહોંચ વધારવાના આશયથી એકપણ બેઠક યોજાઈ નથી.'