Get The App

સાવધાન : વધુ એક ચક્રવાતી તોફાન આવશે : જમ્મુ-કાશ્મીર, લડાખમાં હિમવર્ષા : મ.પ્ર.થી શરૂ કરી દ. ભારતમાં ભારે વર્ષા થશે

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
સાવધાન : વધુ એક ચક્રવાતી તોફાન આવશે : જમ્મુ-કાશ્મીર, લડાખમાં હિમવર્ષા : મ.પ્ર.થી શરૂ કરી દ. ભારતમાં ભારે વર્ષા થશે 1 - image


- IMD એ ઊચ્ચારેલી ગંભીર ચેતવણી

- દ. ભારતમાં આગામી પાંચ દિવસમાં ભારે વર્ષા થવા સંભવ : મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કરાં પડવાની સંભાવના છે

પૂના, નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે ગંભીર ચેતવણી ઊચ્ચારતાં જણાવ્યું છે કે, દેશના વિશાળ વિસ્તારો ઉપર એક ચક્રવાતી તોફાન ફરી વળવાનું છે. બંગાળ ઉપસાગરના દક્ષિણ- પૂર્વ વિસ્તાર અને તેને સ્પર્શીને રહેલા દક્ષિણ આંદામાન સાગર ઉપર હળવું દબાણ આકાર થઈ રહ્યું છે. તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. જે ૩૦મી નવેમ્બર સુધીમાં ઘણા ઓછા દબાણમાં ફરી જયાં ચક્રવાત સર્જાવાની શકયતા છે. આ ચક્રવાતનું નામ મિચાંગ અપાયું છે. આથી દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ ચેતવણી હવામાન વિભાગે ઉચ્ચારી છે.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આગામી ૩ દિવસ સુધી વરસાદ આંધી અને તોફાન ફરી વળવા સંભવ છે. આ ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને તેને સ્પર્શીને રહેલા મેદાની પ્રદેશોમાં વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સ અસર કરી શકે તેમ છે. આઈએમડી જણાવે છે કે, જમ્મુ-કાશ્મીર, લડાખ, ગિલગિટ-બાલ્ટીસ્તાન અને હિમાલય પ્રદેશમાં ૨૯-૩૦ નવેમ્બરે ભારે વર્ષા થશે. સાથે હિમવર્ષા પણ થવા સંભાવના છે.

ઉત્તર પશ્ચિમ ભારતનાં મેદાનોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં આગામી ૩ દિવસ દરમિયાન હળવાશથી મધ્યમ વરસાદ થવાની અને આંધી તોફાનની ચેતવણી જારી કરાઈ છે. મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ૨૯ અને ૩૦ નવેમ્બરે બરફના કરાં પડવાની પણ શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ, અને આંધી, તોફાન અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તમિલનાડુ, પુડુયચેરી, કરાઈકલમાં ૨૯ નવેમ્બર થી ૩ ડિસેમ્બર સુધી ભારે વર્ષા થશે. જયારે કેરલ અને માહેમાં ૩૦ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બરે તથા આંધ્ર પ્રદેશ અને યનમમાં બીજી અને ત્રીજી ડિસેમ્બરે ભારે વર્ષા થવાની ચેતવણી હવામાન વિભાગે ઉચ્ચારી છે.

આ તોફાનને લીધે આંદામાન- નિકોબાર દ્વિપ - સમુહમાં ૨૯, ૩૦ નવેમ્બરે હળવાથી ભારે વરસાદ થશે. તે વિસ્તારમાં કલાકના ૨૫-૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સંભવ છે. માછીમારોને ૩૦ નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી સમુદ્રમાં નહીં જવા જણાવાયું છે.


Google NewsGoogle News