'રામમંદિર આંદોલનના કારસેવકોએ અરાજકતા ફેલાવી એટલે ગોળીઓ ચલાવી..' સપા નેતાનું વધુ એક વિવાદિત નિવેદન
Image Source: Twitter
લખનૌ, તા. 10 જાન્યુઆરી 2024 બુધવાર
સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે રામ મંદિર આંદોલન દરમિયાન કારસેવકો પર તત્કાલીન મુલાયમ સિંહ સરકાર દ્વારા ગોળીબાર કરવાનો બચાવ કરતા કારસેવકોને અરાજક તત્વ ગણાવ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મંગળવારે પાર્ટીના નેતાઓને ધર્મ સંબંધી વાતોને લઈને સલાહ આપી હતી. સ્વામી પ્રસાદ મૌર્ય અંગે પણ તેમણે આશ્વાસન આપ્યુ હતુ કે હવે નિવેદનબાજી થશે નહીં પરંતુ કાસગંજમાં સમાજવાદી પાર્ટી નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે.
અરાજક તત્વોએ તોડફોડ કરી
કાસગંજમાં તેમણે કહ્યુ કે જે સમયે અયોધ્યામાં રામ મંદિર પર ઘટના ઘટી હતી ત્યારે ન્યાયતંત્રના કોઈ આદેશ વિના અરાજક તત્વોએ તોડફોડ કરી હતી. તેની પર તત્કાલીન સરકારે કાયદાની રક્ષા માટે તે સમયે જે ગોળીઓ ચલાવી હતી તે સરકારનું પોતાનું કર્તવ્ય હતુ, તેમણે પોતાનું કર્તવ્ય નિભાવ્યુ હતુ. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યુ કે પ્રોફેસર એસપી સિંહ બઘેલ અમારા સારા સાથીદાર રહી ચૂક્યા છે તેઓ તે સમયે સપા સરકારમાં જ હતા. તેમને બોલવુ જોઈએ નહીં.