ગુજરાતથી જ ભાજપે 'રાવણ' અને 'સીતા'ને બનાવ્યા હતા સાંસદ... શું 'રામ' રેકોર્ડ જાળવી શકશે?
ભાજપે મેરઠ લોકસભા બેઠક પરથી અરુણ ગોવિલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તમામ પક્ષો પોતાની જીતની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે ટીવી સિરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ ચૂંટણી લડશે. કેન્દ્રમાં સતત 10 વર્ષથી શાસક પક્ષ ભાજપે ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક પરથી અરુણ ગોવિલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ટીવી સિરિયલ રામાયણમાં રાવણ, સીતા અને હનુમાનની ભૂમિકા ભજવનારા કલાકારો દાયકાઓ પહેલા ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા છે. રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદી, માતા સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલિયા અને હનુમાનજી ભૂમિકા ભજવનાર દારા સિંહે પોતાના અભિનયથી લોકોના દિલોમાં છાપ છોડી છે. જો કે, આ બધા કલાકારોને ભાજપે ટિકિટ આપી હતી.
અરવિંદ ત્રિવેદી અને દીપિકા ચીખલિયા 1991માં ચૂંટણી જીત્યા હતા
અહેવાલો અનુસાર,ટીવી સિરિયલ રામાયણની લોકપ્રિયતાને કારણે રાજકીય પક્ષોને લાગ્યું હતું કે રામાયણના કલાકારો મત મેળવવામાં ખૂબ અસરકારક રહેશે. ત્યારે 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સાબરકાંઠા બેઠક પરથી અરવિંદ ત્રિવેદી અને વડોદરા બેઠક પરથી દીપિકા ચીખલિયાને મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે પરિણામો આવ્યા ત્યારે બંને અપેક્ષાઓ પર ખરા ઉતર્યા હતા. અરવિંદ ત્રિવેદી અને દીપિકા ચીખલિયા 1991માં પોતપોતાની બેઠકો જીત મેળવી હતી અને પહેલીવાર લોકસભામાં પહોંચ્યા હતા. જ્યારે 2003માં અટલ બિહારી વાજપેયીની સરકારે દારા સિંહને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા.
અરુણ ગોવિલ રાજકીય વનવાસ કેમ મળ્યો?
હવે સવાલ એ છે કે,ટીવી સિરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલને લાબાં સમય સુધી રાજકીય વનવાસ કેમ ભોગવવો પડ્યો? અહેવાલો અનુસાર, કોંગ્રેસે અરુણ ગોવિલને પાર્ટીમાં સામેલ કર્યા હતા. પરંતુ પાર્ટી તેમને ઈન્દોરથી ટિકિટ આપવા માગતી હતી. જો કે, અરુણ ગોવિલ પોતાની ઈમેજને લઈને એટલા સભાન હતા કે તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આજે પણ અરુણ ગોવિલની છબી એવી છે કે ઘણાં લોકો તેમના આશીર્વાદ લે છે.
અરવિંદ ત્રિવેદીએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
ઉલ્લેખનીય છે કે, અરવિંદ ત્રિવેદી અને દારા સિંહ આપણી વચ્ચે નથી. અરવિંદ ત્રિવેદી ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા હતા. તેમણે 300થી વધુ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. 'રામાયણ' સિવાય અરવિંદ ત્રિવેદીએ સિરિયલ 'વિક્રમ ઓર વેતાલ'માં પણ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2002માં તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. 1991માં જ્યારે દીપિકા ચીખલિયા વડોદરામાંથી ચૂંટણી લડ્યા ત્યારે તેમને 2,76,038 મત મળ્યા જ્યારે વિરોધી કોંગ્રેસના ઉમેદવારને 2,41,850 મત મળ્યા. રામાયણની જેમ ટીવી સિરિયલ મહાભારતના ઘણાં કલાકારો ચૂંટણી લડી ચૂક્યા છે.
શું 'રાવણ' અને 'સીતા'નો રેકોર્ડ જાળવી રાખશે 'રામ'?
અરુણ ગોવિલે પણ ભગવાન રામની જેમ ગરિમાનું પાલન કર્યું અને ચૂંટણી લડવાની ના પાડી. જો કે, હવે ભાજપે તેમને મનાવી લીધા છે અને અરુણ ગોવિલ હવે મેરઠથી લોકસભાના ઉમેદવાર છે. ચોથી જૂને ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે અરુણ ગોવિલ તેમના સાથી કલાકારો અરવિંદ ત્રિવેદી અને દીપિકા ચીખલિયાની જેમ જીત સાથે ચૂંટણીની રાજનીતિ શરૂ કરી શકશે કે કેમ?