મુખ્યમંત્રી કેજરીવાલના રાજીનામા મુદ્દે અન્ના હજારેનો કટાક્ષ, કહ્યું- ‘મેં તેમને કહ્યું હતું કે...’
Arvind Kejriwal Resignation News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલથી છૂટ્યા પછી સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કેજરીવાલના આ નિર્ણય પર હાલ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. વિવિધ રાજકીય નેતાઓ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે સામાજિક કાર્યકર અન્ના હજારેએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, 'મેં તેમને રાજકારણમાં ન જવા કહ્યું હતું. મેં તેમને ઘણી વખત રાજકારણમાં જવાને બદલે સમાજસેવા કરવા માટે કહ્યું પરંતુ કેજરીવાલે મારી વાત ન માની.
શું કહ્યું અન્ના હજારેએ?
અન્ના હજારેએ કહ્યું કે, 'મેં તેમને ઘણી વખત કહ્યું હતું કે રાજકારણમાં ન જતા. સમાજની સેવા કરો. તમે બહુ મોટા માણસ બની જશો. અમે ઘણા વર્ષો સુધી સાથે હતા. તે સમયે હું તેમને રાજકારણમાં ન જવા વારંવાર ટકોર કરતો હતો. હું સમજાવતો હતો કે સમાજ સેવા વ્યક્તિના જીવનમાં આનંદ લાવે છે એ આનંદમાં ડૂબેલો રહો પણ એમના દિલમાં કંઇક જુદી વાત હતી અને આજે જે થવાનું હતું એ થઈ ગયું.'
આ પણ વાંચોઃ કેજરીવાલના રાજીનામા પાછળનું રાજકીય ગણિત, ભાજપ સહિતના પક્ષો પણ સ્તબ્ધ!
કેજરીવાલે કર્યું મોટું એલાન
જેલથી બહાર આવ્યા બાદ કેજરીવાલે કહ્યું કે, ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર કે ઈમાનદાર એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શક્ય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું. કેજરીવાલ પ્રામાણિક લાગતો હોય તો ‘આપ’ને ભરપૂર વૉટ આપજો.’
અમારા નાનકડા પક્ષે દેશનું રાજકારણ બદલી નાંખ્યું
કેજરીવાલે કહ્યું કે ‘અમારા નાનકડા પક્ષે દેશનું રાજકારણ બદલી નાખ્યું છે. જેલમાં વિચારવાનો સમય મળ્યો. મેં જેલમાંથી એક જ પત્ર લખ્યો હતો એ પણ ઉપરાજ્યપાલને. એ પત્ર મને પાછો મોકલી દેવાયો અને ચેતવણી આપવામાં આવી કે બીજી વખત પત્ર લખ્યો તો પરિવારને પણ મળવા નહીં દઈએ. અમારા પક્ષને ખતમ કરવા માટે ભાજપે કાવતરું ઘડ્યું હતું જે નિષ્ફળ રહ્યું. ઊલટાનો હું તો વધુ જુસ્સા સાથે જેલમાંથી બહાર આવ્યો છું.’
આ પણ વાંચોઃ 49 દિવસમાં જ CM પદ છોડી કેજરીવાલે સૌને ચોંકાવ્યા હતા, વિપક્ષને પણ અનેકવાર ચકરાવે ચઢાવ્યા
દિલ્હી સરકારના કાર્યકાળને હવે માત્ર છ મહિના બાકી
ફેબ્રુઆરી-2025માં વિધાનસભા ચૂંટણી યોજાવાના કારણે દિલ્હી સરકારના કાર્યકાળને હવે માત્ર છ મહિના બાકી છે, તેથી કેજરીવાલની માંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ચૂંટણી પંચને અપીલ કરી છે કે, મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દિલ્હીમાં પણ નવેમ્બરમાં ચૂંટણી યોજવામાં આવે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય ચૂંટણી પંચ અને મોદી સરકારના હાથમાં છે. તેઓ કેજરીવાલની માંગ પર વિચાર કરશે કે, શું ચૂંટણીની તારીખોમાં ફેરફાર થઈ શકે છે.
ચૂંટણી વહેલી કરાવવા માટે અનેક પડકારો
હવે આ બાબતમાં મોદી સરકારની મહત્ત્વની ભૂમિકા રહેશે. જોકે આ અંગે નિર્ણય લેવા ચૂંટણી પંચ સ્વતંત્ર છે અને પંચ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી શકે છે. એટલે કેજરીવાલની માગ ચૂંટણી પંચ માટે પણ પરીક્ષા સમાન છે. જો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વહેલી કરાવવી હોય તો ઘણાં કાનૂની અને વહીવટી મુદ્દા પર વિચારણા કરવાની રહેશે અને તેમાં વર્તમાન વિધાનસભાની મુદત અને ચૂંટણી માટે જરૂરી તૈયારી સામેલ છે.