Ankita Murder Case: અનૈતિક કાર્યોના અડ્ડા સમાન રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
- અંકિતાએ અનૈતિક કામો કરવાની ના પાડી દીધી એટલે તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ
ઋષિકેશ, તા. 24 સપ્ટેમ્બર 2022, શનિવાર
ઉત્તરાખંડના એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીની કથિત હત્યાના કેસમાં આરોપી એવા ભાજપના નેતાના દીકરા પુલકિત આર્યા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશ બાદ અડધી રાતે પુલકિતના ઋષિકેશ ખાતેના વનતારા રિસોર્ટ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
પોલીસના કહેવા પ્રમાણે પીડિતા ભાજપના નેતાના દીકરાના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પુલકિતના પિતા વિનોદ આર્ય પૂર્વ રાજ્ય મંત્રી છે અને ભાજપનો એક દિગ્ગજ ચહેરો છે. તેઓ હાલ ભાજપ ઓબીસી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય છે. સાથે જ યુપીના સહ પ્રભારી પણ છે.
પોલીસને હજુ સુધી અંકિતાનો મૃતદેહ નથી મળ્યો પરંતુ તે છેલ્લાં એકાદ સપ્તાહથી લાપતા હતી. સોશિયલ મીડિયામાં તે લાપતા હોવાની સૂચના વાયરલ થઈ ત્યાર બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અંકિતાની હત્યાની વાત સામે આવ્યા બાદ સ્થાનિકોએ રિસોર્ટના ગેરકાયદે નિર્માણ મામલે ફરિયાદ કરી હતી અને રિસોર્ટને ધ્વસ્ત કરાવી દેવાની માગણી ઉઠી હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે રિસોર્ટમાં અનૈતિક કામો થતા હતા અને રિસોર્ટનો સંચાલક કર્મચારીઓ સાથે અભદ્રતા અને મારપીટ કરતો હતો. તેમણે રિસોર્ટને અનૈતિક કામોનો અડ્ડો ગણાવ્યું હતું. અંકિતાએ જ્યારે અનૈતિક કામો કરવાની ના પાડી દીધી એટલે તેની હત્યા કરવામાં આવી હતી.
શુક્રવારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આ ઘટના અંગે વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિકોએ આરોપીઓ પર હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચોઃ ચાર દિવસ બાદ લાપતા રિસેપ્શનિસ્ટની મળી લાશ, BJP નેતાના પુત્રની ધરપકડ