તિરુપતિ મંદિરની 'પ્રસાદી'માં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ, CM નાયડુએ જ કર્યા ગંભીર આક્ષેપ
Animal Fat Used In Laddu Prasadam: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ચોંકાવનારો દાવો કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે. તેમણે બુધવારે અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર પર તેના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત તિરુપતિ મંદિરના પ્રસાદીના લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
નાયડુએ આક્ષેપ કર્યો
એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં YSRCP પર આરોપ લગાવતા નાયડુએ કહ્યું, 'તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગન સરકારના સમયમાં તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જગન અને વાયએસઆરસીપી સરકાર પર શરમ આવે છે કે તેમણે તેનું સન્માન ન કર્યું.'
આ પણ વાંચો: મણિપુર બાદ પૂર્વોત્તરના વધુ એક રાજ્યમાં ભડકો, સરકારના નિર્ણય સામે લોકોનો સજ્જડ વિરોધ
YSRCPએ આપ્યો જોરદાર જવાબ
YSRCPએ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોનો આકરો જવાબ આપતા કહ્યું કે, 'ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદમ વિશે નાયડુની ટિપ્પણી ખરેખર ખરાબ છે. કોઈ માણસ આવા શબ્દો નથી બોલતું કે આવા આરોપ નથી લગાવતું. આનાથી એક વાત તો સાબિત થાય છે કે તે રાજકીય લાભ માટે કોઈ પણ લિમીટ ક્રોસ કરી શકે છે.'
YSRCPના શાસનમાં પ્રસાદમ પર ઉઠ્યા સવાલ
YSRCPના શાસન દરમિયાન, પ્રતિષ્ઠિત લાડુ પ્રસાદમને તપાસ અને વિવાદનો સામનો કરવો પડ્યો હતો અને ટીડીપીએ તેની ગુણવત્તામાં કથિત ગંભીર સમાધાનની ઘણીવાર ટીકા કરી હતી. TTD એ તાજેતરમાં ડેરી નિષ્ણાતો સાથે પરામર્શ કરીને આંતરિક મૂલ્યાંકન કર્યું અને જાણવા મળ્યું કે ઘીની ગુણવત્તા 'શ્રીવારી લાડુ' ના સ્વાદને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.