હરિયાણામાં સીએમ પદને લઈને ભાજપમાં વિવાદ, અનિલ વિજના દાવા પર ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો જવાબ
Haryana Assembly Elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી વધી રહી છે. આ દરમિયાન હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે રવિવારે (15મી સપ્ટેમ્બર) મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જો ભાજપ ચૂંટણી જીતશે તો હું મુખ્યમંત્રી બનીશ. કારણ કે, હું પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા છું.' જો કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું કે, 'હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો છે.'
'હરિયાણામાં ભાજપ જીતની હેટ્રિક મારશે'
અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજના નિવેદનને અંગે હરિયાણા ચૂંટણીના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદમાં કહ્યું કે, 'એક પાર્ટીના કાર્યકર હોવાના કારણે તેમણે આવું કહ્યું હશે, પરંતુ નાયબ સિંહ સૈની ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો છે. ભાજપ લોકપ્રિય નેતા નાયબ સિંહ સૈનીના નેતૃત્ત્વમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતની હેટ્રિક મારશે.'
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 'થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે તેમની પાર્ટી સત્તામાં આવશે, ત્યારે તે અનામત ખતમ કરશે. આ કોઈ નવી વાત નથી. તેમનું નિવેદન કોંગ્રેસની માનસિક સ્થિતિ દર્શાવે છે.' ઉલ્લેખનીય છે કે નાયબ સિંહ સૈનીને માર્ચમાં મનોહર લાલ ખટ્ટરના સ્થાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
અનિલ વિજે કર્યો મોટો દાવો
હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે રવિવારે (15મી સપ્ટેમ્બર) મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, 'હું જ્યાં પણ ગયો છું ત્યાં બધા મને કહે છે કે તમે સિનિયર મોસ્ટ છો તો તમે સીએમ કેમ ન બન્યા? આવી સ્થિતિમાં લોકોની માંગ પર આ વખતે હું મારી સિનિયોરિટીના આધારે મુખ્યમંત્રી બનવાનો દાવો કરીશ. જો સરકાર બનશે અને પાર્ટી મને સીએમ પદ આપશે તો હું હરિયાણાનું ભાગ્ય અને ચિત્ર બંને બદલી નાખીશ.'
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં વિધાનસભાની 90 બેઠક માટે પાંચમી ઓક્ટોબરે મતદાન થશે અને આઠમી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 40 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી અને કોંગ્રેસે 30 બેઠકો જીતી હતી.