તિરુપતિ મંદિરનું મહાશાંતિ યજ્ઞ કરીને શુદ્ધિકરણ કરાયું, લાડુમાં પ્રાણીજ ચરબી મળી આવતા રોષ ફાટી નીકળ્યો હતો
Andhra Pradesh Tirupati Temple Prashad Controversy : છેલ્લા થોડા દિવસોથી આંધ્રપ્રદેશનું જગપ્રસિદ્ધ તિરુપતિ મંદિર વિવાદાસ્પદ ચર્ચામાં છે. મંદિરમાં બનતા લાડુના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં બીફ ટેલો સહિત પ્રાણીની ચરબીની ભેળસેળ કરવામાં આવતી હોવાનો વિવાદ છેડાતા મામલો ગરમાયો હતો. હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ હતી અને હંમેશ મુજબ રાજકીય પક્ષોએ આ બાબતે પણ રાજકીય આક્ષેપબાજી કરવાનો લાભ લઈ લીધો હતો.
‘મહાશાંતિ યજ્ઞ’ કરાવીને મંદિરનું શુદ્ધિકરણ કરાયું
આ સમગ્ર બનાવ વિશે તપાસ ચાલી રહી છે, એ દરમિયાન સોમવાર, 23 સપ્ટેમ્બરના રોજ મંદિરના સંચાલકો દ્વારા મંદિરનું શુદ્ધિકરણ કરાયું હતું. વહેલી સવારે 5:40 વાગ્યે શરૂ થયેલી સફાઈની વિધિનું કામ આઠ પૂજારી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણ ‘આગમા શાસ્ત્ર’ સલાહકારોએ પૂજારીઓને આ કામ માટે માર્ગદર્શન આપ્યું હતું. (આગમા શાસ્ત્ર સલાહકારો એટલે વૈદિક વિદ્વાનો, જેઓ મંદિરની ધાર્મિક વિધિઓની દેખરેખ રાખે છે.) શુદ્ધિકરણનું કાર્ય બે કલાક સુધી ચાલ્યું હતું. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના કાર્યકારી અધિકારી શામલા રાવ અને અન્ય અધિકારીઓએ શુદ્ધિકરણ વિધિમાં ભાગ લીધો હતો.
પંચગવ્ય થકી કરાઈ શુદ્ધિ
શુદ્ધિકરણની વિધિમાં પંચગવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પંચગવ્ય એટલે ગાયમાંથી મળતી પાંચ પવિત્ર ચીજોનું મિશ્રણ. પંચગવ્યના પાંચ ઘટકો છે- ગાયનું દૂધ, ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું ઘી અને ગાયનું દહીં. મંદિરમાં જે સ્થળે પ્રસાદ બને છે એ સમગ્ર વિસ્તારને પંચગવ્ય વડે ધોઈને શુદ્ધ કરવામાં આવ્યો હતો, જેથી મંદિરની શુદ્ધતા અને પવિત્રતા પુનઃસ્થાપિત કરી શકાય.
આ પણ વાંચો : આઠ રિંગ રોડ, ફ્લાય ઓવર અને સુરંગ... મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 58 હજાર કરોડની યોજના
ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ દ્વારા તપશ્ચર્યા
શનિવાર, 21 સપ્ટેમ્બરના રોજ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે જાહેરાત કરી કે મંદિરની ગરિમાને ઠેસ પહોંચાડનારા આ અપવિત્ર કૃત્યના પ્રાયશ્ચિત માટે તેઓ 11 દિવસની ધાર્મિક તપશ્ચર્યા કરી રહ્યા છે. તેમણે આ ઘટનાને ‘હિંદુ ધર્મ પરનું કલંક’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ‘પવિત્ર ગણાતું તિરુમાલા લડ્ડુ પ્રસાદમ ભૂતકાળના શાસકોની ભ્રષ્ટ વૃત્તિઓના પરિણામે અશુદ્ધ બની ગયું છે. ‘સનાતન ધર્મ’ પાળનારાઓએ હવે જાગી જવાની જરૂર છે.’
રાજ્યના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ લાડુ બનાવવામાં પ્રાણીજ ચરબીના કથિત ઉપયોગની SIT તપાસના આદેશ આપ્યા છે. હવે એનું શું પરિણામ આવે છે, એના પર આખા દેશની નજર રહેશે.
આ પણ વાંચો : 'અમારી સરકાર ફરી આવે એની ગેરન્ટી નથી પણ...' નાગપુરમાં નીતિન ગડકરી કેમ આવું બોલ્યા?