Get The App

તિરુપતિ મંદિરમાં અધધધ 16 હજારનો સ્ટાફ, લાખોનો પગાર; વર્ષોથી ચાલે છે આ ચાર પૂજારી પરિવારોનું રાજ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
તિરુપતિ મંદિરમાં અધધધ 16 હજારનો સ્ટાફ, લાખોનો પગાર; વર્ષોથી ચાલે છે આ ચાર પૂજારી પરિવારોનું રાજ 1 - image

Andhra Pradesh Tirumala Tirupati Devasthanams : તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં 4 પૂજારી પરિવારો પેઢીઓથી શાસન કરે છે. મંદિરની સેવા એમને વારસામાં મળી છે. તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ તેમના નિયંત્રણ હેઠળ છે. ચાલો જાણીએ કે આ ચાર વારસાગત પરિવાર પાસે કેટલી સંપત્તિ છે અને તેમનો માસિક પગાર કેટલો છે?

તિરુપતિ મંદિરમાં અધધધ 16 હજારનો સ્ટાફ, લાખોનો પગાર; વર્ષોથી ચાલે છે આ ચાર પૂજારી પરિવારોનું રાજ 2 - image

કયા છે એ 4 શક્તિશાળી પરિવાર?

સદીઓથી તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન કરનાર 4 પૂજારી પરિવારોના નામ છે - પૈડિપલ્લી, ગોલ્લાપલ્લી, પેડ્ડિન્તિ અને તિરુપતમ્મા. મંદિરમાં કુલ 58 પૂજારીનો સ્ટાફ છે. એમાંના 23 પૂજારી ઉપરોક્ત 4 પૂજારી પરિવારોમાંથી આવે છે. પરંપરાને કારણે આ પરિવારોમાંથી પૂજારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. વહેલી સવારથી સાંજ સુધી મંદિરમાં થતી તમામ ધાર્મિક વિધિ આ પરિવારના લોકો દ્વારા કરવામાં આવે છે. 58 માંના 35 પૂજારીઓ બિન-વારસાગત છે.

તિરુપતિ મંદિરમાં અધધધ 16 હજારનો સ્ટાફ, લાખોનો પગાર; વર્ષોથી ચાલે છે આ ચાર પૂજારી પરિવારોનું રાજ 3 - image

અધધધ પગાર મેળવે છે પૂજારીઓ 

મંદિર આટલું ધનાઢ્ય હોય તો એના પૂજારીઓનો પગાર પણ તોતિંગ જ હોવાનો. મંદિરના મુખ્ય પૂજારી પેલા ચાર પરિવારમાંથી જ કોઈ બને છે. તેમને ‘પ્રધાન અર્ચક’ કહેવામાં આવે છે. તેમનો માસિક પગાર 82000 રૂપિયાની આસપાસ હોય છે. પ્રધાન અર્ચક સિવાયના મુખ્ય પૂજારીઓ પણ વારસાગત પરંપરાથી જ નિયુક્ત થયેલા હોય છે. તેમને દર મહિને અંદાજિત 52,000 રૂપિયા પગાર મળે છે. બિન-વારસાગત પૂજારીઓને અનુભવના આધારે માસિક રૂપિયા 30,000 થી 60,000 સુધીનો પગાર આપવામાં આવે છે.

તિરુપતિ મંદિરમાં અધધધ 16 હજારનો સ્ટાફ, લાખોનો પગાર; વર્ષોથી ચાલે છે આ ચાર પૂજારી પરિવારોનું રાજ 4 - image

ભથ્થાં અને સુવિધાઓ પણ મળે છે

  • મંદિરના તમામ પૂજારીઓને રહેવા માટે ઘર આપવામાં આવે છે. 
  • પગાર ઉપરાંત સૌને ભથ્થાં અલગથી આપવામાં આવે છે. 
  • મંદિરની પોતાની અત્યંત આધુનિક હોસ્પિટલ છે, જેમાં દુનિયાભરની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંદિરના પૂજારીઓ અને એમના પરિવારને એ હોસ્પિટલની તમામ સુવિધાઓ નિઃશુલ્ક મળે છે.
  • તમામ પૂજારીઓને યોગ્ય માત્રામાં રજા પણ મળે છે. 
  • તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના તમામ કામ માટે કુલ મળીને 16,000 લોકોનો સ્ટાફ છે. આ તમામને સારો પગાર, સારી સુવિધા અને યથાયોગ્ય ભથ્થાં આપવામાં આવે છે.

નિવૃત્તિ મુદ્દે પૂજારીઓ કોર્ટે ચઢ્યા 

65 વર્ષની ઉંમરે પૂજારીઓ સેવાનિવૃત્ત થાય છે. એ પછી તેમને પેન્શન જેવા નિવૃત્તિના લાભ મળે છે. નિવૃત્તિની યોજના અહીં વર્ષ 2018 થી લાગુ કરવામાં આવી હતી. જોકે, વારસાગત પૂજારીઓ ફરજિયાત નિવૃત્તિની વિરુદ્ધમાં કોર્ટમાં ગયા અને દલીલ કરી હતી કે, ‘ઈશ્વરની પૂજામાંથી વળી નિવૃત્તિ કેવી! શ્વાસ ચાલે ત્યાં સુધી અમને મંદિરમાં સેવા કરવાનો હક મળવો જોઈએ.’ 

એમની લાગણીને માન આપીને રાજ્ય સરકારે વારસાગત પૂજારીઓને આ યોજનામાંથી બાદ કરી દેવા પડ્યા હતા. જોકે, બિન-વારસાગત પૂજારીઓએ નક્કી કરેલી વયે નિવૃત્તિ લેવી જ પડે છે. આ મામલે હજુ અંતિમ નિર્ણય નથી લેવાયો, મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે. 

પૂજારીઓને મળે છે VIP દર્શન-પાસ

દરેક વારસાગત પૂજારીને VIP દર્શન માટે બે VIP પાસ મળે છે, જેને આધારે તેઓ પોતાના પરિજનો કે પરિચિતોને મંદિરમાં ઝડપી દર્શન માટે લાવી શકે છે.

સૌથી શક્તિશાળી છે વારસાગત પૂજારીઓ

આમ તો મંદિરના તમામ પૂજારી પરિવાર ધનવાન ગણાય છે અને સૌ ઊંચો દરજ્જો ધરાવે છે, પણ એમાંય પેલા ચાર વારસાગત પરિવારોનો દબદબો સવિશેષ જોવા મળે છે. આ ચારે પરિવાર મંદિરના પ્રથમ પૂજારી ગોપીનાથચાર્યલુના વંશજ છે. આ પરિવાર તિરુમાલા મંદિર સાથે લગભગ 2,000 વર્ષથી જોડાયેલા છે. માટે તેમને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. મંદિરનું સંચાલન અને તમામ ધાર્મિક વિધિઓ પરંપરા મુજબ થાય, એ જોવાનું જવાબદારીભર્યું કામ આ ચાર પરિવારના પૂજારીઓ નિભાવે છે. 

વારસાગત પૂજારીઓની પહોંચ બહુ ઊંચી છે

ફક્ત પૈસેટકે જ નહીં, પહોંચની દૃષ્ટિએ પણ ચાર વારસાગત પરિવારોના નામના સિક્કા પડે છે. જનતા પર પણ તેમનો ઘણો પ્રભાવ છે. તેઓ મુખ્યમંત્રી સુધી પહોંચ ધરાવે છે. સમગ્ર દેશના પ્રભાવશાળી લોકો માટેની ધાર્મિક વિધિઓ આ ચાર પરિવારના પૂજારીઓ જ કરે છે.


Google NewsGoogle News