ચૂંટણી ટાણે પીવાના પાણી મુદ્દે આંધ્રપ્રદેશ-તેલંગાણા વચ્ચે બબાલ, કેન્દ્ર સરકારે કરી દખલ, જાણો શું છે મામલો

બંને તરફથી ડેમની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફના જવાનોને સોંપી દેવાનો નિર્ણય લેવાયો

આંધ્રપ્રદેશના લગભગ 700 જેટલાં પોલીસ કર્મચારીઓ નાગાર્જુન સાગર ડેમ પર ધસી આવ્યા અને પાણી છોડી દેતાં વિવાદ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
ચૂંટણી ટાણે પીવાના પાણી મુદ્દે આંધ્રપ્રદેશ-તેલંગાણા વચ્ચે બબાલ, કેન્દ્ર સરકારે કરી દખલ, જાણો શું છે મામલો 1 - image

image : Twitter



Andhra Pradesh and Telangana Drinking Watter Issue | તેલંગાણામાં વિધાનસભા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે આ દરમિયાન જ આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે પીવાના પાણીનો મુદ્દો ગરમાયો હતો. માહિતી અનુસાર આંધ્રપ્રદેશે નાગાર્જુન સાગર ડેમ પર કબજો કરી લઇને પાણી છોડવાની શરૂઆત કરી દીધી હતી જેના પગલે બંને રાજ્યો વચ્ચે મામલો બીચક્યો હતો.

થયું શું હતું? 

માહિતી અનુસાર મોડી રાતે 2 વાગ્યે ગુરુવારે જ્યારે તેલંગાણાના મોટાભાગના અધિકારીઓ ચૂંટણીની તૈયારીઓમાં મતદાન મથકો પર વ્યસ્ત હતા ત્યારે આંધ્રપ્રદેશના લગભગ 700 જેટલાં પોલીસ કર્મચારીઓ નાગાર્જુન સાગર ડેમ પર ધસી આવ્યા હતા અને આ દરમિયાન તેમણે જમણી બાજુની કેનાલનો દરવાજો ખોલીને કૃષ્ણા નદીમાંથી દર કલાકે 500 ક્યૂસેક જેટલું પાણી છોડ્યું હતું. 

આંધ્રપ્રદેશના સિંચાઈ મંત્રીએ ટ્વિટ કરી સ્પષ્ટતા કરી

આ મામલે એક્સ પર ટ્વિટ કરતાં આંધ્રપ્રદેશના સિંચાઈ મંત્રી અંબાતી રામબાબુએ જણાવ્યું કે અમે પીવાના પાણીના ઉદ્દેશ્યથી કૃષ્ણા નદીનું પાણી લઈ રહ્યા છીએ. તેના માટે અમે નાગાર્જુન સાગર ડેમની જમણી કેનાલ ખોલી દીધી છે. આ મામલે વિવાદ થતાં પછી તેમણે કહ્યું કે અમે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચેની સમજૂતી અનુસાર જ અમારા હિસ્સાનું પાણી લીધું છે. અમે કરારનું ઉલ્લંઘન નથી કર્યું. 66 ટકા પાણી આંધ્રપ્રદેશનું છે તો 34 ટકા પાણી તેલંગાણાનું. અમે તેમના હિસ્સાનું એક ટીપું પાણી પણ ઉપયોગમાં લીધું નથી. 

વિવાદ વધતાં કેન્દ્રએ કરી દખલ 

જોકે આ મામલે વિવાદ વધતાં કેન્દ્ર સરકારે દખલ કરી હતી અને આંધ્રપ્રદેશ તથા તેલંગાણાની સરકારને અપીલ કરતાં કહ્યું કે તેઓ આ મામલે શાંતિ જાળવે તથા નાગાર્જુન સાગર ડેમમાં 28 નવેમ્બર સુધી પાણીની શું સ્થિતિ હતી તેના વિશે તેમને યોગ્ય રિપોર્ટ મોકલે. આ પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આપ્યો હતો. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પક્ષકારો સાથે તેમણે વીડિયો કોન્ફરન્સ કરી હતી જેમાં બંને પક્ષકારો સંમત થયા હતા. આ સાથે બંને તરફથી ડેમની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફના જવાનોને સોંપી દેવાનો નિર્ણય લેવાયો હતો.    

ચૂંટણી ટાણે પીવાના પાણી મુદ્દે આંધ્રપ્રદેશ-તેલંગાણા વચ્ચે બબાલ, કેન્દ્ર સરકારે કરી દખલ, જાણો શું છે મામલો 2 - image


Google NewsGoogle News