2019માં PM બનવાનું સપનું જોતાં નેતા હવે ભાજપને ફળશે? દક્ષિણના આ રાજ્યમાં સુપરસ્ટારના કારણે બદલાયા રાજકીય સમીકરણ

Updated: May 13th, 2024


Google NewsGoogle News
2019માં PM બનવાનું સપનું જોતાં નેતા હવે ભાજપને ફળશે? દક્ષિણના આ રાજ્યમાં સુપરસ્ટારના કારણે બદલાયા રાજકીય સમીકરણ 1 - image


Andhra Pradesh Lok Sabha Election History : લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે દેશના 10 રાજ્યોની 96 બેઠકોની સાથે આંધ્રપ્રદેશની તમામ 25 લોકસભા બેઠકો અને વિધાનસભાની 175 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો અહીં YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) અને વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી (TDP) વચ્ચે વર્ષોથી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. 

આંધ્રપ્રદેશમાં કયાં કયાં પક્ષોનું ગઠબંધન?

  • ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં ત્રણ વખત મુખ્યમંત્રી બનેલા ચંદ્રબાબુ નાયડુ (N. Chandrababu Naidu)ની પાર્ટી ટીડીપી અને જન સેના પાર્ટી સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જન સેના પાર્ટીની કમાન સુપરસ્ટાર રાજનેતા પવન કલ્યાણના હાથમાં છે.
  • રાજ્યમાં દબદબો બનાવીને બેઠેલા જગન મોહન રેડ્ડીની (Jagan Mohan Reddy) પાર્ટી વાયએસઆરસીપી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. હાલ રાજ્યમાં જગન મોહન રેડ્ડીની સરકાર છે.
  • કોંગ્રેસની સાથે સીપીઆઈ અને સીપીઆઈ(એમ) ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ હોવાથી ત્રણેય પક્ષો બેઠક વહેંચણીની સમજૂતી મુજબ રાજ્યના ચૂંટણીમાં દમ દેખાડી રહી છે.

આંધ્રપ્રદેશ લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં જગન રેડ્ડીનો દબદબો

2019ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જગન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીએ 175 બેઠકોમાંથી 151 બેઠકો જીતી મોટો વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત 2019ની લોકસભા ચૂંટણીમાં પણ જગન રેડ્ડીની પાર્ટીએ 25 લોકસભા બેઠકોમાંથી 22 બેઠકો જીતી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસનો એક પર ઉમેદવાર ન જીત્યો

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ 25માંથી 22 બેઠકો જીતી હતી, એટલું જ નહીં તેણે કુલ 15,537,006 (49.89 ટકા) મળ્યા હતા. જ્યારે તેલુગુ દેશમ પાર્ટીએ 25 બેઠકોમાંથી માત્ર ત્રણ બેઠકો જીતી હતી. મહત્વની વાત એ છે કે, ટીડીએ ભરે માત્ર ત્રણ બેઠકો જીતી હોય, પરંતુ તેને કુલ 12,515,345 (40.19 ટકા) મતો મળ્યા હતા. જન સેના પાર્ટી 18 બેઠકો પર, કોંગ્રેસ-ભાજપે 25-25 બેઠકો પર, બહુજન સમાજ પાર્ટીએ ત્રણ બેઠકો પર, સીપીઆઈ(એમ) અને સીબીઆઈએ બે-બે બેઠકો પર ઉમેદપારો ઉભા રાખ્યા હતા, પરંતુ આ છ પાર્ટીઓનો એક પણ ઉમેદવાર જીત્યો ન હતો. વોટ શેરિંગની વાત કરીએ તો જન સેના પાર્ટીને કુલ 1,829,346 (5.87 ટકા), કોંગ્રેસને 406,977 (1.31 ટકા), ભાજપને 406,977 (0.98 ટકા), બહુજન સમાજ પાર્ટીને 83,613 (0.27 ટકા), સીપીઆઈ(એમ) 37,895 (0.12 ટકા) અને સીપીઆઈને 26,536 (0.09 ટકા) મતો મળ્યા હતા.

2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ YSR કોંગ્રેસનો દબદબો

વર્ષ 2019માં 175 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વાએસઆર કોંગ્રેસ પાર્ટીએ 151, તેલુગુ દેશમ પાર્ટીએ 23, જન સેના પાર્ટીએ એક, બેઠક જીતી હતી, જ્યારે સીપીઆઈ(એમ), બહુજન સમાજ પાર્ટી, સીપીઆઈ, કોંગ્રેસ, ભાજપ અને અપક્ષો પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા. વોટ શેરિંગની વાત કરીએ તો વાએસઆર કોંગ્રેસને 15,688,569 (49.95 ટકા) મતદારોએ મત આપ્યા હતા, જ્યારે તેલુગુ દેશમ પાર્ટીને 12,304,668 (39.17 ટકા), જન સેનાને 1,736,811 (5.53 ટકા), સીપીઆઈ(એમ)ને 101,071 (0.32 ટકા), બહુજન સમાજ પાર્ટીને 88,264 (0.28 ટકા), સીપીઆઈને 34,746 (0.11 ટકા), કોંગ્રેસને 368,810 (1.17 ટકા), ભાજપને 263,849 (0.84 ટકા) જ્યારે અપક્ષને 286,859 (0.91 ટકા) મતદારોના મત મળ્યા હતા.

એક સમયે આંધ્રપ્રદેશ કોંગ્રેસને ગઢ હતો

એક સમયે સંયુક્ત આંધ્રપ્રદેશની મજબૂત રાજકીય પાર્ટીઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. કોંગ્રેસે લગભગ છ દાયકા સુધી રાજ્યમાં રાજ કર્યું હતું. વર્ષ 2009 સુધી યોજાયેલી 12 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આઠ વખત સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. પરંતુ 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગણાના અલગ રાજ્ય જાહેર કરાતા કોંગ્રેસનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું હતું. વર્ષ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસને 11.71 ટકા મત મળ્યા હતા, પરંતુ વર્ષ 2019માં ઘટીને 1.17 ટકા પર પહોંચી ગયું.

જગન મોહને સૌને ચોંકાવી દીધા

વર્તમાન મુખ્યમંત્રી જગન મોહનના પિતા રાજશેખર રેડ્ડી તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. એવું કહેવાય છે કે, તેમણે વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસને જીત અપાવી હતી. તેમનું 2009માં નિધન થયું હતું. ત્યારબાદ જગન મોહન અને કોંગ્રેસ વચ્ચે રાગ બેસ્યો નહીં અને જગને માર્ચ-2011માં વાઈએસઆર કોંગ્રેસ નામથી પોતાની જુદી પાર્ટી બનાવી લીધી. ત્યારબાદ જગન મોહનની આગેવાની હેઠળ વાઈએસઆર કોંગ્રેસે પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી અને તેમણે સૌકોઈને ચોંકાવી દીધા. તે દરમિયાન જગન મોહનની પાર્ટીએ 27.88 ટકા મતો મેળવી વિધાનસભાની 70 બેઠકો જીતી લીધી હતી, જ્યારે લોકસભાની ચૂંટણીમાં નવ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જગન મોહન સામેના તમામ વિરોધીઓ ફીકા પડી ગયા હતા. ત્યારબાદ તેમણે પછીની ચૂંટણીમાં સત્તા પણ મેળવી લીધી હતી.

2019માં PM બનવાનું સપનું જોતાં નેતા હવે ભાજપને ફળશે? દક્ષિણના આ રાજ્યમાં સુપરસ્ટારના કારણે બદલાયા રાજકીય સમીકરણ 2 - image

ચૂંટણીમાં જગન રેડ્ડીને ટક્કર આપવા બહેન મેદાને પડી

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીની પુત્રી શર્મિલા પોતાના જ ભાઈ જગન મોહન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. વર્ષ 2021માં શર્મિલાએ YSR તેલંગણા પાર્ટીની સ્થાપના કરી હતી, પરંતુ વર્ષ 2024માં તેમની પાર્ટીનું કોંગ્રેસમાં વિલય થયું હતું. ત્યારબાદ કોંગ્રેસે શર્મિલાને રાજ્યની કોંગ્રેસ અધ્યક્ષ બનાવી છે. કોંગ્રેસે તેમને કડાપા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર તેમના પિતરાઈ ભાઈ અવિનાશ રેડ્ડી વર્તમાન સાંસદ છે. YSRCPએ શર્મિલા વિરુદ્ધ અવિનાશને જ ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં શર્મિલા પોતાના બે ભાઈઓ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે.

YSRCP સામે BJP-TDPની ટક્કર

વર્ષ 2019ની ચૂંટણીમાં જગન મોહનની પાર્ટીએ તમામ પાર્ટીઓનો સફાયો કરી દીધો હતો, પરંતુ આ વખતની લોકસભા ચૂંટણીમાં એવી ચર્ચાઓ છે કે, ભાજપ-ટીડીપી ગઠબંધન જગન રેડ્ડીને જોરદાર ટક્કર આપશે. રાજ્યમાં ટીડીપીનો સાથ મળ્યા બાદ એનડીએ લડાયક મુડમાં દેખાઈ રહી છે. અગાઉ ભાજપ-ટીડીએ 2014ની ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું, જેનો બંને પક્ષોને ફાયદો થયો હતો. જોકે 2018માં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન અપાયા ટીડીપી નારાજ થઈ હતી અને તેણે ભાજપ સાથે છેડો ફાડી દીધો હતો. પરંતુ 2019માં બંને પક્ષોને સંબંધો તોડવાનું નુકસાન થયું હતું અને ટીડીપી 16 બેઠકો પરથી ત્રણ બેઠકો પર આવી ગઈ હતી, જ્યારે ભાજપ ખાતુ પણ ખોલાવી શકી ન હતી.


Google NewsGoogle News