આંધ્ર પ્રદેશમાં મતદાન પહેલા જ ભાજપ માટે સારા સમાચાર, ચિરંજીવીના પક્ષનો NDAને ટેકો જાહેર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી વચ્ચે આંધ્ર પ્રદેશના રાજકારણમાં અનેક હલચલ જોવા મળી રહી છે. સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીએ વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે NDAને ટેકો જાહેર કર્યો છે. તેમણે આંધ્ર પ્રદેશમાં ટીડીપી-જનસેના-ભાજપ ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. નોંધનીય છે કે ચિરંજીવીના નાના ભાઈ પવન કલ્યાણે જ જનસેના પાર્ટીની સ્થાપના કરી હતી.
આંધ્ર પ્રદેશમાં ભાજપને ફાયદો થઈ શકે છે
કોંગ્રેસના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ચિરંજીવીએ વર્ષ 2024માં આંધ્ર પ્રદેશના વિભાજન બાદ રાજકારણથી દૂરી બનાવી લીધી હતી. તેમના ભાઈ અને જાણીતા અભિનેતા પવન કલ્યાણ અને તેમની પાર્ટી જનસેના પહેલાથી જ એનડીએ ગઠબંધનનો ભાગ છે. ચિરંજીવી કાપુ જ્ઞાતિમાંથી આવે છે,તે આંધ્રમાં પછાત વર્ગ છે જે લગભગ 15% મતની ટકાવારી ધરાવે છે. જો એનડીએ ગઠબંધનને આ મત મળે તો માત્ર વિધાનસભા ચૂંટણી જ નહીં પરંતુ લોકસભાની ચૂંટણીમાં પણ મોટી ઉથલપાથલ થઈ શકે છે. આનો સૌથી વધુ ફાયદો ભાજપને થશે.
ચિરંજીવીએ નવા પક્ષની સ્થાપના કરી હતી
અભિનેતા ચિરંજીવીએ વર્ષ 2008માં પ્રજા રાજ્યમ પાર્ટી (PRP)ની રચના કરી હતી અને વર્ષ 2009ની વિધાનસભા ચૂંટણીમાં 18 બેઠકો (294 બેઠકોમાંથી) જીતી હતી. એવું માનવામાં આવે છે કે, પીઆરપીના કારણે જ વર્ષ 2009માં ટીડીપીને ઘણી બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો અને દિવંગત નેતા રાજશેખર રેડ્ડીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર ફરી સત્તામાં આવી હતી. વર્ષ 2011માં ચિરંજીવીએ પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું. ત્યાર પછી તેઓ યુપીએ-2માં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા.
આંધ્ર પ્રદેશમાં 13મી મેના રોજ મતદાન થશે
આંધ્ર પ્રદેશમાં 25 લોકસભા બેઠક અને વિધાનસભાની 175 બેઠકો માટે ચોથા તબક્કામાં (13મી મે) મતદાન થશે. લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.