VIDEO: માંડ-માંડ બચ્યા ચંદ્રબાબુ નાયડુ, રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન
Andhra Pradesh CM Chandrababu Naidu : આંધ્રપ્રદેશમાં થોડા દિવસ પહેલા અતિભારે વરસાદ પડ્યા બાદ અનેક સ્થળો મોટું નુકસાન થયું છે. વરસાદના કારણે રાજ્યમાં 30થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેઓ નિરિક્ષણ કરવાની સાથે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા હતા, ત્યારે તેઓ ટ્રેનની અડફેટે આવતા માંડ-માંડ બચી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ચંદ્રબાબુ નાયડુ જે ટ્રેક પાસે ઉભા હતા, ત્યાંથી ફુલ સ્પીડે ટ્રેન આવી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ચંદ્રબાબુ નાયડુ વિજયવાડાના મધુરાનગર સ્થિત રેલવે ટ્રેક પાસે બનેલા એક પુલ પર ઉભા હતા. અહીં તેઓ સ્થાનિક વહિવટી તંત્રની ટીમ સાથે બુદમેરુ નદીના વહેણનું નિરિક્ષણ કરી રહ્યા હતા. અહીં તેમની આસપાસ અનેક સ્થાનિક લોકો પણ હતા. આ દરમિયાન તેમની પાસેથી એક ફુલ સ્પીડે ટ્રેન પસાર થઈ હતી. જોકે તેમના સુરક્ષા જવાનોએ તુરંત તકેદારી રાખી ટ્રેક પાસેથી તમામને દુર હટાવ્યા હતા.
ક્યાં અને કેટલા લોકોનો બચાવ થયો?
આંધ્રપ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે ગૃહ મંત્રાલયના અધિક સચિવ સંજીવ કુમાર જિંદાલે કહ્યું કે, NDRFની ટીમોએ અત્યાર સુધીમાં રાજ્યમાં 350 લોકોને બચાવ્યા છે અને લગભગ 15000 લોકોને બહાર કાઢ્યા છે. જયારે તેલંગાણામાં 68 લોકોને બચાવાયા છે. લગભગ 3200 લોકોનું સ્થળાંતર કરાયું છે. ભારતીય વાયુસેના અને નૌકાદળના 65 હેલિકોપ્ટરો પણ બચાવ-કાર્યમાં જોડાયા છે અને અસરગ્રસ્ત લોકોને ખોરાક અને રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે.