નાયડુની દબાણની વ્યૂહનીતિ શરૂ! PM મોદીને સોંપી માગણીઓની લાંબી યાદી, NDAના મંત્રીઓ ટેન્શનમાં
PM Modi With Chandrababu Naidu: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બે દિવસીય દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુરુવારે (ચોથી જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ માંગ કરી કે આંધ્ર પ્રદેશ માટે અલગ બજેટ ફાળવવામાં આવે. આ ઉપરાંત અલગ-અલગ મંત્રાલયોએ પણ તેમના પ્રોજેક્ટ્સમાં આંધ્ર પ્રદેશને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા મંત્રીઓને મળ્યા હતા.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની શું માંગ?
એનડીએ સરકારમાં મોટો હિસ્સો ધરાવતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ જાણે છે કે,આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે તેમ નથી. એવામાં તેમની માંગ વિશેષ પેકેજની સામે આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તેમણે આંધ્ર પર 13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ મુદ્દો વડાપ્રધાન મોદી સામે ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે, 'અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન આવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે રાજ્યમાં કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું ન હતું. મોદી સરકારે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે પણ પેન્ડિંગ ફંડ બહાર પાડવું જોઈએ.'
આ પણ વાંચો: હિન્દુત્વ પર ભાજપનો એકલાનો ઈજારો નથી, રાહુલ મોદી-શાહને ભારે પડ્યાં, ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
ગડકરીએ શિવરાજને માંગ પત્ર પણ સોંપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ચંદ્રબાબુ નાયડુએ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં હાઈવેના વિકાસ માટે ફંડની માંગણી કરી હતી. નીતિન ગડકરી સમક્ષ અનેક પ્રોજેક્ટ્સની બ્લુપ્રિન્ટ્સ પણ રજૂ કરવામાં આવી હતી. આટલું જ નહીં, ત્યારબાદ તેમણે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે પણ વાત કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આજે (પાંચમી જુલાઈ) કેટલાક અન્ય મંત્રીઓને પણ મળશે. આ દરમિયાન તેઓ માંગ કરશે કે મંત્રાલયો દ્વારા આંધ્ર માટે પણ વિશેષ યોજનાઓ તૈયાર કરવામાં આવે.